જીવલેણ કોંગો ફિવરથી કચ્છમાં વધુ એક દર્દીનું મોતઃ કુલ છ દર્દીનાં મોત

અમદાવાદ : રાજ્યમાં ડેન્ગ્યૂ અને સ્વાઇન ફલૂ પછી કોંગો ફિવરે માથું ઊંચક્યું છે. આજે કચ્છના વડાલા ગામમાં એક દર્દીનું કોંગો ફિવરમાં જી. કે. જનરલ હોસ્પિટલમાં મોત નિપજયું છે. છેલ્લાં આઠ મહિનામાં કોંગો ફિવરથી છ દર્દીનાં મોત નિપજયાં છે. સુરતમાં સ્વાઇન ફલૂથી ૪૫ વર્ષના પુરુષનું મોત નિપજયું છે. અત્યાર સુધીમાં સુરતમાં સ્વાઇન પલૂના ૧૬૦ દર્દી નોંધાયા છે.

સુરતમાં ૨, રાજકોટમાં ૪, અને વડોદરામાં ૩ ડેન્ગ્યૂના કન્ફર્મ કેસો નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૨૦ ડેન્ગ્યૂના દર્દી નોંધાયા છે.રાજ્યમાં આજે સ્વાઇન ફલૂના ચાર નવા દર્દી નોંધાયા છે. જેમાં ભાવનગરમાં ૨, જામનગર ૧, અમરેલીમાં ૧ દર્દીનો સમાવેશ થાય છે. ૧લી ઓગસ્ટથી આજ સુધીમાં સ્વાઇન ફલૂમાં ૩૮૨ દર્દી નોંધાયા છે. જેમાં ૨૬૪ દર્દી સાજા થયા છે.

૭૫ દર્દી હજુ સારવાર હેઠળ છે. સ્વાઇન ફલૂમાં કુલ મોત ૪૪ દર્દીનાં થયા છે. આમ ઉનાળા જેવી અસહ્ય ગરમી વચ્ચે પણ મચ્છર દ્વારા ફેલાતા રોગચાળાના કેસો અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી રહ્યાં છે. રોગચાળાના કારણે ડોકટરો ખુશખુશાલ છે. સવાર-સાંજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઊભરાઇ રહ્યા છે.

You might also like