જીવરાજપાર્કમાં લાફો મારવા બાબતે મારામારીઃ યુવકનું મોત

અમદાવાદઃ શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા શિમલા ટી પાસે ગત મોડી રાત્રે નાસ્તાની લારી પર ખાવાપીવાની બોલાચાલી બાબતે મારામારી થતાં એક યુવકનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. વેજલપુર પોલીસે આ અંગે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીવરાજ પાર્ક શિમલા ટી પાસે  સાગર ફ્રાય સેન્ટર નામની લારી આવેલી છે. મહંમદ શમશાદ મંહમદ કલીમ શેખ (ઉં.વ. ૨૫) અને મહંમદ મન્સૂર શેખ (ઉં.વ. ૨૨) બંને ભાઇ આ નાસ્તાની લારી ચલાવે છે. ગત રાત્રે સાડા અગિયારની આસપાસ ફતેહવાડી વિસ્તારમાં રહેતા મન્સૂરી ઇશરા અને મન્સૂરી અબ્દુલ કલામ નામના બંને શખસો આ નાસ્તાની લારી પર આવ્યા હતા. દરમિયાનમાં મહંમદ મન્સૂર સાથે આ બંનેને લાફો મારવા બાબતે બોલાચાલી થઇ હતી, જેમાં મન્સૂરી ઇશરા અને મન્સૂરી અબ્દુલ કલામે મહંમદ મન્સૂરને ગડદાપાટુનો માર માર્યો હતો, જેથી તેને સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે વેજલપુર પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વેજલપુર પીઆઇ એ.બી. વાળંદે જણાવ્યું હતું કે હાલમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવ્યું છે. શરીર પર એવા કોઇ બાહ્ય ઇજાનાં નિશાન નથી, જોકે પીએમ રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે તેની હત્યા કરાઇ છે કે કેમ અને તેના પરથી ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવશે.

You might also like