જાહેર થયેલા કાળાં નાણાંની સુધારાયેલી રકમ ૪૧૪૭ કરોડ

નવી દિલ્હી : વિદેશમાં જમા બિનહિસાબી નાણાં સંપત્તિની સામે લાવવામાં આવેલા નવા કાયદા બાદ સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે, વિદેશમાં કાળા નાણાંના સંદર્ભમાં માહિતી મળી છે. નક્કી કરવામાં આવેલા વિન્ડો હેઠળ ૯૦ દિવસની અવધિમાં લોકોને કરવેરા અધિકારીઓને માહિતી આપવાની જરૂર હતી, જે પૈકી કુલ ૪૧૪૭ કરોડ રૂપિયાની વિગત આપવામાં આવી છે. પહેલા જાહેર કરવામાં આવેલી રકમ ૩૭૭૦ કરોડ રૂપિયાની દર્શાવવામાં આવી હતી.

 

મહેસૂલી સચિવ હસમુખ અઢિયાએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ગયા સપ્તાહે પૂરી થયેલી આ અવધિમાં કુલ ૬૩૮ જાણકારી મળી છે. જે હેઠળ વિદેશમાં ૪૧૪૭ કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિની જાહેરાત કરવામાં આવેલી છે.  આ સંપત્તિની જાહેરાત કરવાની અવધિ ૩૦મી સપ્ટેમ્બરના દિવસે પૂરી થઈ ગઈ હતી. સરકારને તેના ઉપર કરવેરા અને દંડના રૂપિયામાં કુલ ૨૪૮૮.૨૦ કરોડ રૂપિયા મળશે. સરકારે ૧ ઓક્ટોબરના દિવસે જાહેરાત કરી હતી કે આ સુવિધા હેઠળ કુલ ૩૭૭૦ કરોડ રૂપિયાની રકમ મળી છે.

તેમણે કહ્યું હતું કે આ માહિતી પ્રાથમિક ગણતરી પર આધારીત હતી. તેમણે એમપણ કહ્યું હતું કે, ગુપ્તરીતે મળેલી માહિતીને જોતા કુલ આંકડો ૪૧૪૭ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. તેમણે એમપણ કહ્યું છે કે અગાઉ પણ તમામ માહિતી હતી, પરંતુ તેની જાહેર કરવામાં આવેલી રકમ પહેલી ઓક્ટોબરના આંકડામાં દર્શાવાઈ નહતી. ૩૦મી સપ્ટેમ્બર સુધી ૯૦ દિવસના ગાળામાં લોકોને વિદેશમાં રહેલી પોતાની રકમની વિગતો ઓનલાઈન આપવાની સુવિધા આપવામાં આવી હતી.

  ભારતે અમેરિકાની સાથે આ કાયદા હેઠળ કરવેરા સુચનાઓની આપલે કરવા માટે એક સમજુતી પણ કરી છે. અમેરિકા પાસેથી સૂચના અંગે સંપત્તિ મળી છે. સ્વિત્ઝરલેન્ડમાં એચએસબીસીના ખાતાઓની યાદી સાથે જોડાયેલા ૪૩ મામલાઓમાં ૧૩૨ કેસ દાખલ કરાયા છે.

You might also like