જાહેરમાં વૃદ્ધની હત્યા કરનાર વધુ બે આરોપીની ધરપકડ

અમદાવાદઃ અઠવાડિયા પહેલાં શહેરના આસ્ટોડિયા દરવાજા નજીક જાહેરમાં બેફામ બનીને એક વૃદ્ધને સાતથી આઠ શખસોએ ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે આરોપી પિતા પુત્રોની ધરપકડ કરી હતી. જ્યારે આજે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૧ સપ્ટેમ્બરના રોજ આસ્ટોડિયા દરવાજા નજીક રૂકનપુરા બાપુના ગલ્લા નજીક રહેતા અબ્દુલ કાદરભાઈ શેખ ઉપર અમીર અબ્દુલ કાદર પઠાણ અને અન્ય સાતેક જેટલા લોકોએ ભેગા મળી અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને અબ્દુલ કાદરનાં ઘરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી અબ્દુલ કાદરને જીવલેણ હથિયારો વડે હુમલો કરી જાહેરમાં ઢોર માર્યો હતો. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત અબ્દુલ કાદરને સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ આરોપીઓ રૂ. ૨૦,૦૦૦ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. તેઓના પુત્ર મુસ્તાક શેખે આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં લૂંટ અને ખૂનની કોશિશની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાનમાં અબ્દુલ કાદરનું વી.એસ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી મહેબૂબ અબ્દુલ કરીમ પઠાણ (રહે. આસ્ટોડિયા), સાજિદ ઉર્ફે ભૂરિયો અબ્દુલ કરીમ પઠાણ (રહે. આસ્ટોડિયા) અને સમીર અબ્દુલ કરીમ પઠાણ (રહે. વટવા)ની ધરપકડ કરી હતી. જ્યારે આજે પોલીસે ઈરફાનખાન ઉર્ફે છોટો પઠાણ (રહે. આસ્ટોડિયા) તેમજ સિકંદરખાન પઠાણ (રહે. જુહાપુરા)ની ધરપકડ કરી છે.

You might also like