જાણો સીતામાતાના જન્મનું રહસ્ય 

(વૈશાખ સુદ નોમ ૨૭-૦૪-૨૦૧૫ સોમવાર) ભગવાન વિષ્ણુએ જગતનાં દુઃખ દૂર કરવા તથા ધર્મનું રક્ષણ કરવા અયોધ્યાપતિ રાજા દશરથને ત્યાં શ્રીરામ તરીકે અવતાર લીધો. પતિ પાછળ પત્ની. તે ન્યાયે માતા લક્ષ્મીજીએ રાજા જનકને ત્યાં સીતાજી સ્વરૂપે જન્મ લીધો. તેઓ રાજા જનકને સોનાના હળ વડે ખેતર ખેડતાં ખેતરમાંથી પ્રાપ્ત થયાં હતાં.
 
સીતા એટલે ખેતરમાં હળથી પડાયેલ ચાસ-લીટો. સ્કંદપુરાણ, વાયુપુરાણ તથા દેવીભાગવત મુજબ આજથી લગભગ ૧,૮૭,૫૦,૮૧૫ વર્ષ પહેલાં સીતાજીનો પ્રાદુર્ભાવ થયો હતો.
 
પ્રાચીન કાળમાં નિમિ નામના એક ધર્માત્મા રાજા થઈ ગયા હતા. તેમનાં ધર્મકાર્યો ત્રણેય લોકમાં વિખ્યાત થઈ ગયાં હતાં. તેમને મિથિ નામનો એક પુત્ર હતો. તેણે મિથિલાનગરી વસાવી છે. તેવો ઉલ્લેખ આપણને રામાયણમાં જોવા મળે છે. મિથિનો પુત્ર જનક થયો. ત્યારથી મિથિલાનગરીમાં રાજા જનક તરીકે ઓળખાતા હતા.
 
જનકનો પુત્ર ઉદાવસુ-ઉદાવસુ અને સીતા સગાં ભાઈ-બહેન હતા. ઉદાવસુના પુત્રનું નામ નંદિવર્ધન હતું. આ નંદિવર્ધનનો પુત્ર સુકેતુ હતો.  આ બધા જ રાજા ખૂબ પરાક્રમી હતા. જેમ અયોધ્યાના રાજા દશરથ દેવોના પરમ મિત્ર હતા. તેમ રાજા જનક પણ વિદ્વાન હતા. તેમનું દરેક ક્ષેત્રમાં અગાધ જ્ઞાન હતું. તેમના પુત્રી સીતાજી સાક્ષાત મા મહાલક્ષ્મીનો અવતાર હતાં. તેઓ પર ખૂબ જ્ઞાની તથા પરમ વિદૂષી હતાં. સીતાજી ધરતીમાંથી પ્રગટ્યાં તેથી તેમનું એક નામ  ધરતી પુત્રી પણ છે. તેઓ ભગવાન શિવનાં ધનુષ્યથી રમતાં હતાં.
 
સુકેતુના પુત્રનું નામ દેવરાત હતું. તેના પુત્રનું નામ બ્રહ્મરથ. તેના પુત્રનું નામ મહારથ હતું તેના પુત્રનું નામ સુઘૃતિ હતું. રાજા હસ્વરોમાના બે પુત્ર હતા. તેમાંના મોટા પુત્રનું નામ જનક હતું. નાના પુત્રનું નામ કુશલધ્વજ હતું. હસ્વરોમા મોટા પુત્ર જનકને ગાદી સોંપી તપ કરવા વનમાં ગયા. તે સમયે આંકાશ્યા નગરનો રાજા સુધન્વા મિથિલા પર ચડી આવ્યો. તેણે દૂત સાથે કહેવાડાવ્યું કે તારી પુત્રી સીતા તથા શિવધનુષ્ય મને સોંપી દે. નહીંતર મારી સાથે યુદ્ધ કર. જનકે યુદ્ધ સ્વીકાર્યું. તેમણે સાંકાશ્યાના રાજા સુધન્વાને હરાવી દીધો. તેનું રાજ્ય સાંકાશ્યા નાના ભાઈ કુશધ્વજને સોંપ્યું.
 
સીતાજીનાં લગ્ન ભગવાન શ્રીરામ સાથે અયોધ્યામાં થયાં હતાં. તેમનાં નાનાં બહેન ઉર્મિલાનાં લગ્ન ભગવાન શ્રીરામના નાના ભાઈ લક્ષ્મણજી સાથે થયાં હતાં.  રાજા કુશધ્વજ રાજા જનકના લઘુબંધુ હતા. તેમને બે પુત્રી હતી. એ હતી માંડવી તથા બીજી હતી શ્રુતકીર્તિ. આ બંનેનાં લગ્ન રાજા શ્રીરામના નાનાભાઈ અનુક્રમે ભરત તથા શતુઘ્ન સાથે થયાં હતાં.
 
સીતા માતા જન્મથી જ વેદમંત્ર બોલતાં હતાં. સીતાજી તેમનાં પૂર્વજન્મમાં વેદવતી હતાં. તે તપ કરતાં હતાં તે વનમાં એક વખત રાવણ જઈ ચડ્યો હતો. તે વેદવતીને જોઈ તેના ઉપર આસક્ત થયો. આથી વેદવતીએ તેને શ્રાપ આપતાં કહ્યું હતું કે, ‘હે દુષ્ટાત્મા, તું બ્રાહ્મણપુત્ર હોવા છતાં અધર્મી થયો છે. તે મારી સાથે અઘટિત વર્તન કર્યું છે. તેથી તારા નાશનું કારણ પણ હું જ બનીશ. આમ, સીતાજી તરીકે વેદવતીએ જન્મ લીધો હોવાનો ઉલ્લેખ આપણને શ્રીરામચરિતમાનસમાં જોવા મળે છે. મા સીતાજી તેમનો કાર્યકાળ પૂર્ણ થતાં ધરતીમાં વિલિન થઈ ગયા હતા. તે બાબત જગવિદિત છે.
You might also like