જય મા અંબા ગબ્બરવાળી

રામાયણમાં ઉલ્લેખ છે કે સીતાજીની શોધમાં રામ લક્ષ્મણ વન વન ફરતા હતા ત્યારે શ્રીરામ લક્ષ્મણના બનેવી શૃંગી ઋષિએ તેમને મા અંબાના આશીર્વાદ લઇ સીતાજીની શોધ કરવા સૂચવ્યું હતું. તેમણે આમ કરતાં સીતાજીની શોધ ખૂબ સરળ થઇ ગઇ હતી.
 
અરવલ્લીના ડુંગરોની હારમાળા વચ્ચે ગબ્બર પર્વત આવેલ છે. આ પર્વતની ટોચ પર પ્રાચીન અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું મા અંબાનું મંદિર આવેલું છે. આ મંદિર આજે ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ બહુ લોકપ્રિય થઇ ગયેલ છે.
 
એમ કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના વાળ ઊતરાવવાની વિધિ (બાબરી) આરાસુરનાં મા અંબાજીમાં કરાઇ હતી. નંદરાજા અને માતા યશોદા અહીં આવ્યાં હતાં. યશોદા માતાએ આ સ્થાને જવારા પણ વાવ્યા હતા. તેઓ અહીં સાત દિવસ રહ્યા હતા. યશોદા માતાએ જ્યાં જવારા વાવ્યા હતા તે સ્થાન આજે પણ અહીં જોવા મળે છે. અરવલ્લીના ડુંગરોની હારમાળા વચ્ચે ગબ્બર પર્વતની ટોચ પર મા અંબા બિરાજે છે.
 
વિમલ શાહ નામના એક વણિક સદ્ગૃહસ્થ મા અંબાના પરમ ભક્ત હતા. તેમણે આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. સામાન્ય રીતે મંદિરમાં મૂર્તિ હોય છે, પરંતુ આ મંદિરમાં મા અંબાજીની મૂર્તિ નથી, પરંતુ અહીં શુદ્ધ સોનામાંથી બનાવાયેલું વીસા યંત્ર છે. વીસા યંત્રમાં ગમે તે બાજુથી સરવાળો કરો, પરંતુ તેનો જવાબ ૨૦ આવે છે. એમ પણ કહેવાય છે કે,
જિસકે પાસ વીસા ઉસે ક્યા કરે જગદીશા માતાજીનું આ પ્રખ્યાત મંદિર વીસા યંત્રને આધારિત છે, જેને કારણે આ મંદિર દિન પ્રતિદિન વધુ ને વધુ સમૃદ્ધ બનતું જાય છે. કહેવાય છે કે જે ભક્તને ત્યાં સોનાનું, ચાંદીનું કે તાંબાનાં પતરાંમાંથી બનાવેલ વીસા યંત્ર હોય તે ખૂબ સુખી થાય છે. મા અંબાજીના આ મંદિરમાં શુદ્ધ ઘીથી પ્રગટેલા રહેતા બે અખંડ દીપ છે. આ મંદિરના આગળના ભાગ પર ધાબામાં ત્રિશૂળ રાખવામાં આવેલું છે.
 
મંદિર સામે ચાચર ચોક છે, જ્યાં નિયમિત હવન થાય છે. કદાચ એટલે જ મા અંબા ચાચર ચોકવાળાં તરીકે ઓળખાય છે. હા, એક વાત કહેવાની રહી ગઇ કે આ મંદિરમાં ક્યાંય તેલનો દીવો પ્રગટાવાતો નથી. અહીં પ્રગટાવવામાં આવતા તમામ દીપક ચોખ્ખા ઘીના જ હોય છે.
 
જે કોઇ ભક્ત મા અંબાનું શ્રદ્ધાથી સ્મરણ કરે છે તે ભક્ત કદી દુઃખી થતો નથી. મા અંબાના મંદિરથી ફક્ત ચાર કિલોમીટર દૂર ગબ્બર નામનો પહાડ આવેલ છે. ત્યાં સંગેમરમરથી સજાવેલ મા અંબાજીનું મંદિર આવેલ છે. અહીં માની અખંડ જ્યોત સતત ઝળહળે છે. આ પહાડ પર માનાં દર્શન કરવા જવું હોય તો પ્રત્યેક ભક્તને ૯૯૯ પગથિયાં ચડવાં પડે છે. જે ચડતાં લગભગ આશરે ૪૫ મિનિટનો સમય લાગે છે. જે ભક્ત અશક્ત હોય તેને માટે અહીં ઊડનખટોલા નામનું યંત્ર છે.
 
ખરેખર, મા અંબા એટલાં દયાળુ છે કે તેમની સાચી ભક્તિથી સેવા કરનાર કે સાચી રીતે ખરા હૃદયથી સ્મરણ કરનાર કદી દુઃખી થતો નથી. તે ભક્ત આ દુનિયારૂપી ભવસાગર સાવ સરળતાથી તરી જાય છે. અંતે તે માનું નિજધામ પામે છે. તેમાં કોઇ સંશય નથી.•
 
You might also like