જમીન બિલ અંગે સરકાર ચોથી વખત વટહુકમ બહાર પાડી શકે

નવી દિલ્હી: સરકારે મંગળવારે સંકેત આપ્યો છે કે તે જમીન બિલની ‘સાતત્યતા’ જાળવી રાખવા માટે તે અંગેનો વટહુકમ વિક્રમી ચોથી વખત બહાર પાડી શકે છે. આ ખરડાની મુદત ૩૧ ઓગસ્ટે પૂરી થાય છે અને તે પહેલાં સંસદમાં તેની પસાર થવાની કોઇ સંભાવના ન દેખાતાં આ પગલું ભરી શકાય છે. આ અંગે સસંદીય બાબતોના મંત્રી વેંકૈય્યા નાયડૂએ જણાવ્યું હતું કે ‘આપણે જોઇએ ૩૧ ઓગસ્ટનો સમય છે. નેગોશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ, ૨૦૧૫ સાથે પણ આ જ બન્યું હતું. કેટલાક નિર્ણયો સમયસર લેવા જોઇએ. જમીન બિલમાં સમસ્યા એ છે કે જો ઠરાવને ફરીથી જારી ન કરાય તો જેની હેઠળ જમીન સંપાદિત કરાય છે તેવા અન્ય ૧૩ કાયદાઓ લેપ્સ થઇ જશે.’નાયડુએ કહ્યું હતું કે ‘તેનાથી નુકસાન થશે. જેમને નોકરીઓ મળવાની છે તેમને નહિ મળે કેમ કે જૂના કાયદામાં તે નથી. આ કાયદા તમામ પાસાઓને ધ્યાનમાં લઇને તૈયાર કરાયા છે.’ જમીન સંપાદન કાયદો, ૨૦૧૩ના અધિકાર ક્ષેત્રમાંથી ૧૩ કાયદાને મુક્તિ અપાઈ હતી. જોકે તે માટેની શરત એ છે કે તેમને એક વર્ષની અંદર કાયદાના અધિકારક્ષેત્રમાં લાવવામાં આવશે. એનડીએના વટહુકમમાં આ ૧૩ કાયદાઓને નવા જમીન કાયદામાં સામેલ કરાયા છે.
નાયડુએ કહ્યું હતું કે ‘અમે એકપક્ષીય નિર્ણય લેવા માગતા નથી કેમ કે અમારી પાસે રાજયસભામાં બહુમતિ નથી. આ એક હકીકત છે. આથી અમે અન્ય પક્ષો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કમિટીએ સારી કામગીરી કરી છે અને મને આશા છે કે તેઓ પ્રગતિ માટે સક્ષમ છે અને થોડાક સંતોષકારક ઉકેલ લાવી શકે છે.’
 
You might also like