જતાં જતાં મનમોહનસિંહ પીએમ મોદીને એક સિક્રેટ ફાઈલ આપીને ગયા હતા

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે ૨૦૧૪માં નવી સરકાર રચાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક સિક્રેટ ફાઈલ આપી હતી. આ ફાઈલમાં કાશ્મીર પ્રશ્નના ઉકેલથી લઈને પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશરફ અને તત્કાલિન વડા પ્રધાન મનમોહનસિંહ વચ્ચે થયેલી સિક્રેટ બેઠકના પ્લાન હતા. એટલું જ નહીં. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીર સમજૂતીને લઈને એક ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગેનો ચોંકાવનારો ઘટસ્ફોટ એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારી અને બ્યુરોક્રેટ દ્વારા કરવામાં આવ્યો છે.

ભારતીય રાજદ્વારીના જણાવ્યા પ્રમાણે આ સિક્રેટ મિટિંગના દસ્તાવેજ અને રેકોર્ડ ધરાવતી એક સિક્રેટ ફાઈલ મનમોહનસિંહે સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોંપી હતી. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર આ દસ્તાવેજ ૨૭મી ૨૦૧૪ના રોજ વડા પ્રધાન મોદીને સોંપવામાં આવ્યા હતા. ભારતીય રાજદ્વારીએ આ ઘટસ્ફોટ એવા સમયે કર્યો છે જ્યારે પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ કસૂરી પોતાનું કાશ્મીર અંગે ભારત પાકની સિક્રેટ ડિપ્લોમસી પરના પુસ્તક ‘નાઈધર અ હોક નોર અ ડવ’ની ભારતીય આવૃત્તિનું લોન્ચિંગ કરવા દિલ્હીમાં આવ્યા છે. 

કસૂરીના પુસ્તકમાં જનરલ મુશરફને ટાંકીને લખવામાં આવ્યું છે કે તેઓ કાશ્મીર પર ગુપ્ત સમજૂતી હેઠળ કાશ્મીર પર બંને દેશોના સંયુક્ત વહીવટ ઈચ્છતા હતા. એટલું જ નહીં તેમણે કાશ્મીરમાંથી સેનાને હટાવવાની પણ વાત કરી હતી.

એવું જણાવાયુ છે કે સમજૂતીના આખરી મુસદ્દામાં કન્સ્ટિવ મિકેનિઝમ પર પણ વાત કરવામાં આવી હતી. તેમાં જમ્મુ-કાશ્મીર સરકાર અને પાક. હસ્તકના કાશ્મીર સાથે સંકળાયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બંને રાષ્ટ્રોની સરકારના પ્રતિનિધિઓમાં સમાવવાની વાત કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે આ બેઠકો અને વાતચીતને ગુપ્ત રાખવાની તમામ કોશિશ કરવામાં આવી હતી. 

એટલે સુધી કે પૂર્વ વડાપ્રધાનની નીકટના મનાતા રાજદ્વારી સતીન્દ્ર લાંબાએ એકવાર આવી જ એક બેઠક માટે પાસપોર્ટ અને વિઝા વગર રાવલપિંડીની યાત્રા કરી હતી. લાબા અને જનરલ મુશરફના વાટાઘાટકાર રિયાઝ મહમ્મદ અને તારીખ અઝીઝ વચ્ચે આ ગુપ્ત મુલાકાતમાં ૨૦૦ કલાક સુધી વાટાઘાટ થઈ હતી. એટલું જ નહીં સમજૂતીનો મુસદ્દો તૈયાર કરવા દુબઈ અને કાઠમંડુમાં આવી ૩૦ બેઠકો થઈ હતી.

You might also like