છોટાઉદેપુર કલેકટર જેનુ દેવન પણ ડેન્ગ્યૂની ઝપટમાં

છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લા કલેકટર ડેન્ગ્યુમાં સપડાયા હોવાના અહેવાલો મળવા પામ્યા છે. પ્રાપ્ત વિગતોનુસાર છોટાઉદેપુર જિલ્લા કલેકટર જેનુ દેવનને ડેન્ગ્યુ પોઝિટીવ આવતા જિલ્લા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.  આ અંગેની માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી આર.બી. ચૌધરીએ ફોન ઉપર જણાવેલ કે, નાદુરસ્ત તબિયતના કારણે તા. ૩૦-૯ના રોજ વાઘોડિયા રોડ ઉપર આવેલ ધીરજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને રોગના લક્ષણો જણાઇ આવતાં ગઇકાલે ડેન્ગ્યુ રિપોર્ટ કરાયો હતો.

જેમાં ડેન્ગ્યુ પોઝિટીવ હોવાનું બહાર આવ્યું છે અને તાત્કાલિક સારવાર મળી જતાં હાલ તબિયત સુધારા પર છે, અને આજ-કાલમાં ડિસ્ચાર્જ કરે તેવી સંભાવના છે.જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુએ પુનઃ માથું ઉંચકતા અને તેની સામે તંત્ર તેને કાબુ કરવામાં સાવ નિષ્ફળ સાબિત થયું છે, જિલ્લાના કવાંટ તાલુકામાં સૌથી વધારે કેસો થવા પામ્યા છે અને તેની અસર ધીરે ધીરે છોટાઉદેપુર તાલુકામાં પણ વણશી રહી છે.

જિલ્લા આરોગ્ય તંત્રના ચોપડે હાલની સ્થિતિએ ૧૭ કેસો જણાવે છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, જિલ્લાના કલેકટર પોતાની ટ્રીટમેન્ટ કરાવવા માટે છેક વડોદરા સુધી લંબાવું પડે અને સ્થાનિક આરોગ્ય તંત્ર જિલ્લાના ઉચ્ચ અધિકારીને સારવાર આપવામાં નિષ્ફળ નીવડયું તો આમ પ્રજાની તો વાત જ શી કરવી ?

You might also like