છેલ્લા નવ મહિનામાં શેરબજાર અને સોના-ચાંદીમાં ઘટાડો

અમદાવાદઃ પાછલા નવ મહિનામાં શેરબજાર અને સોના ચાંદીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક બજારમાં જોવા મળેલી નરમાઇને પગલે સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર નોંધાઇ છે અને તેના કારણે શેરબજાર સહિત સોના ચાંદીમાં ઘટાડો નોંધાયો છે.  કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં સેન્સેક્સમાં અત્યાર સુધીમાં ૧૬૩૬ પોઇન્ટનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે, જ્યારે નિફ્ટીમાં ૪૧૫ પોઇન્ટ તૂટ્યા છે. ગઇ કાલે છેલ્લે નિફ્ટી ૨૨ પોઇન્ટના સુધારે ૭૮૬૮ પોઇન્ટના મથાળે બંધ જોવાઇ હતી. વૈશ્વિક બજારમાં નરમાઇની અસર સ્થાનિક બુલિયન બજારમાં પણ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં સોનામાં ૪૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ગઇ કાલે છેલ્લે ૨૬,૮૦૦ની સપાટીએ બંધ જોવાયું હતું. એ જ પ્રમાણે ચાંદીમાં પણ પ્રતિ કિલોએ રૂ. ૧૫૦૦નો ઘટાડો નોંધાયો છે. ચાંદી ગઇ કાલે છેલ્લે ૩૫,૨૦૦ની સપાટીએ બંધ જોવાઇ હતી. ઉલ્લેખનીય છે કે કેલન્ડર વર્ષ ૨૦૧૫ની શરૂઆતે ચાંદીનો ૩૬,૭૦૦ની સપાટીએ ભાવ જોવાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા નવ મહિનામાં રોકાણકારોના રિટર્નના દૃષ્ટિકોણથી જોઇએ તો શેરબજારમાં જે ઘટાડો જોવા મળ્યો તેના કરતાં સોના ચાંદીમાં ઘટાડો ઓછો નોંધાયો છે અને તેને જ કારણે રિટર્નના દૃષ્ટિકોણથી કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં સોના ચાંદીમાં એકંદરે સકારાત્મક રિટર્ન જોવા મળ્યું હતું. દરમિયાન ભારતીય મૂડીબજારની નજર હવે આગામી રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક ઉપર તથા અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ઉપર ટકેલી છે.શેરબજારના ઘટાડા કરતાં સોના-ચાંદીમાં ઓછો ઘટાડો
૨૦૧૫માં સોનામાં રૂ. ૪૦૦નો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીમાં રૂ. ૧૫૦૦ તૂટ્યા હતા, ટકાવારીના દૃષ્ટિકોણથી શેર બજારના ઘટાડા કરતા સોના-ચાંદીમાં ઓછો ઘટાડો જોવા મળ્યો છે.
You might also like