ચોવીસ કલાક પાણીની વાતો વચ્ચે કોર્પોરેશન નવા છ બોર બનાવશે!

અમદાવાદ : આપણા અમદાવાદમાં મ્યુનિ. સત્તાવાળાઓ લાંબા સમયથી ચોવીસ કલાક પાણીનો પુરવઠો પૂરો પાડવાના પ્રોજેક્ટનાં ઢોલનગારાં વગાડી રહ્યા છે. શાસકોએ નવી વોટર પોલિસી અને વોટર પોલિસી આધારિત પાણીનાં મીટર મૂકવાની જાહેરાત કર્યે પણ મહિનાઓ વીતી ગયા છે, પરંતુ શહેરની ખરી વાસ્તવિકતા એ છે કે આજે પણ અનેક વિસ્તારમાં સવારનું બે કલાકનું પાણી મળતું નથી, પરિણામે સત્તાવાળાઓ નવા છ બોર બનાવવા જઇ રહ્યા છે એટલે કે ભારે ટીડીએસ આધારિત ક્ષારનું પાણી પીવડાવશે.

જોધપુર વોર્ડમાં તો તંત્રએ ૨૪ કલાક પાણીનો પાઇલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની દિશામાં ચક્રો પણ ગતિમાન કર્યાં છે, જોકે ઓક્ટોબર-૨૦૧૫ની ચૂંટણી બાદ જ જોધપુર વોર્ડના પાઇલટ પ્રોજેક્ટની ખરેખરની અસરકારકતા સ્પષ્ટ થશે, પરંતુ નવા પશ્ચિમ ઝોનમાં ચાર લોકોને સ્ટેગરિંગ પદ્ધતિથી પણ પાણી મળતું નથી. જોધપુર વોર્ડમાં જ આવેલા મકરબા વિસ્તારના ભરવાડવાસ અને પ્રજાપતિવાસમાં પાણીની બૂમો પડતાં તંત્ર ૩૦૦ મીટર ઊંડાઇનો નવો બોર રૂ. ૧૯.૯૩ લાખના ખર્ચે બનાવવા જઇ રહ્યું છે.

આ તો ઠીક, ખાડિયા જેવા કોટ વિસ્તારના નાગરિકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. ખાડિયાનો સાંકડી શેરી વિસ્તાર ઊંચાણવાળો હોઇ સત્તાવાળાઓએ અહીંના લોકોને બોરનું પાણી પીવડાવવાનો ‘શોર્ટકટ’ અપનાવ્યો છે. ખાડિયાના અન્ય વિસ્તારના લોકો નર્મદાનું પાણી પીશે, પરંતુ સાંકડી શેરી વિસ્તાર માટે તંત્ર ૨૫૦ મીટર ઊંડો રૂ. ૧૬.૫૦ લાખના ખર્ચે નવો બોર બનાવશે.

આ ઉપરાંત દક્ષિણ ઝોનના લાંભા અને વટવા વોર્ડમાં પણ પાણીનો કકળાટ દૂર કરવા સત્તાધીશોએ ચાર નવા બોર બનાવવાનો સરળ ઉપાય હાથ પર લીધો છે. જે મુજબ નારોલ સ્મશાનગૃહમાં ડાઘુઓ માટે બોર બનાવશે. રંગોલીનગર, જ્યોતિનગર અને સ્વપ્નસંકેત સોસાયટીના લોકોને પણ બોરના પાણીથી ચલાવવું પડશે.

કોર્પોરેશનના કુલ ૨૮૭ બોર થશે!શહેરભરમાં હાલમાં કોર્પોરેશનના કુલ ૨૮૧ બોર છે અને વધુ નવા છ બોર બન્યા બાદ તંત્રની માલિકીના કુલ ૨૮૭ બોર થશે, જોકે પંપિંગ સ્ટેશન સંલગ્ન ૧૬૦ બોર તો અલગ જ છે!

બોર ચલાવવાનું મહિનાનું લાઈટબિલ રૂ. દશ લાખ!

મ્યુનિ. સત્તાવાળાઓ એક તરફ બોર ચલાવીને હજારો અમદાવાદીઓને ભારે ટીડીએસ ધરાવતું આરોગ્ય માટે નુકસાનકારક પાણી પીવા માટે વિવશ કરી રહ્યા છે. આની સાથેસાથે બોર ચલાવવાનું માસિક લાઇટબિલ જ દર મહિનાનું દશ લાખ રૂપિયા આવે છે. આમ, મ્યુનિ. તિજોરી માટે પણ બોર ખર્ચાળ બન્યા છે.

નર્મદા-મહીનું પાણી મેળવવા વાર્ષિક રૂ. ૬૦ કરોડ પણ ખર્ચાય છે

હાલમાં શહેરીજનોને દૈનિક ૧૦૫૦ એમએલડી પાણીનો પુરવઠો પૂરો પાડવા કોર્પોરેશન નર્મદા અને મહીનું પાણી મેળવે છે અને તેની પાછળ રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૬૦ કરોડ પાણીબિલ પેટે ચૂકવવા પડે છે. ટેન્કરોથી પાણી પહોંચતું કરવા પણ દર વર્ષે લાખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે તેમ છતાં બોરની ઉપર પણ આધાર રાખવો પડે છે!

You might also like