ચોમાસાની અનિશ્ચિતતા આર્થિક વૃદ્ધિ-ફુગાવા માટે જોખમીઃ RBI

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે કૃષિ ક્ષેત્રમાં જોવા મળી રહેલ સ્થિતિ માટે મહત્ત્વની ભૂમિકા ભજવતું ચોમાસું તથા વિતરણની અનિશ્ચિતતાથી આર્થિક વૃદ્ધિ અને ફુગાવા માટે સતત જોખમ ઊભું થઇ રહ્યું છે. આરબીઆઇએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૪-૧૫ના પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચોમાસાની પ્રગતિથી દેશમાં દુષ્કાળની આશંકા દૂર થઇ ગઇ છે, પરંતુ તેની હાલમાં જોવા મળેલી પ્રગતિ તથા વિતરણની સ્થિતિને લઇને અનિશ્ચિતતાથી આર્થિક વૃદ્ધિ તથા ફુગાવાની સ્થિતિને લઇને બંને માટે જોખમ વધી ગયું છે.રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે નબળા ચોમાસાના કારણે ઊભી થયેલી સ્થિતિને લઇને વ્યાપક પ્રમાણમાં ખાદ્ય વિતરણ રણનીતિ બનાવવાની જરૂરિયાત છે. રિપોર્ટમાં કહ્યું છે કે ચાલુ વર્ષે ૭.૬ ટકા જીડીપી નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના પ્રથમ ચાર મહિનાની વાસ્તવિક ગતિવિધિઓના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અનુમાનને અનુરૂપ છે, જે વર્ષ ૨૦૧૪-૧૫ના ૭.૨ ટકાથી ઊંચો છે. ચોમાસાની ગતિવિધિ, વૈશ્વિક સ્તરે ક્રૂડના નીચા ભાવ જેવાં પરિબળોના કારણે જાન્યુઆરી સુધી ફુગાવાનો દર છ ટકા રહેવાનું આરબીઆઇએ અનુમાન વ્યક્ત કર્યું છે.
You might also like