ચૂંટણી પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટની બ્રેકથી રાજકીય મોરચે સોંપો

વડોદરા : ગુજરાતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટે બ્રેક મારતાં આજે વડોદરામાં રાજકીય મોરચે સોંપો પડી ગયો હતો. આગામી દિવસમાં સુપ્રીમ કોર્ટ કેવું વલણ અપનાવશે તે  વિશે અનેક તર્ક વિર્તકો શરૃ થઇ ગયા હતા. ગુજરાતની મહાનગર પાલિકાની ચૂંટણીઓ આગામી દિવસમાં યોજાનાર હતી જેની પૂર્વ તૈયારીના ભાગરૃપે કોંગ્રેસ-ભાજપે ઉમેદવારોની પસંદગી અંગે કસરત શરૃ કરી હતી.

દરમિયાનમાં આજે સુપ્રીમ કોર્ટમાં વડોદરાના રહીશ રાજુ સામંત સહિત ચાર વ્યકિતએ અરજ કરી હતી જે સુપ્રીમ કોર્ટે દાખલ કરી રાજય સરકારને આ અંગે જવાબ રજુ કરવા પંદર દિવસનો સમય આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રક્રિયા પર બ્રેક મારી છે ત્યારે ચૂંટણી અંગેની આચારસંહિતા પણ હવે એક બે દિવસમાં મુકવામાં આવનાર હતી તે હવે મોડી શરૃ થશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શું કાર્યવાહી કરવી તે અંગે પણ રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં પ્રત્યેક વોર્ડમાં ચાર બેઠક પ્રમાણે ચૂંટણી યોજવાનું અને નવા સીમાંકન પ્રમાણે નક્કી થયું હતું પરંતુ સુપ્રીમ કોર્ટમાં થયેલી રજૂઆત પ્રમાણે એક વોર્ડમાં એક બેઠક હોય તે પ્રમાણે ચૂંટણી યોજવાની માંગણી કરવામાં આવી હતી. આગામી દિવસમાં હવે સુપ્રીમ કોર્ટ આ કેસમાં હુકમ કરે છે તે જોવાનું રહે છે. દરમિયાનમાં વડોદરા મહાનગર પાલિકામાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે કે ચૂંટણી તો સમયસર થવી જોઇએ. ભારતીય જનતા પક્ષ માને છે કે એક વોર્ડ એક બેઠક થવી જોઇએ નહીં કારણ કે એક વોર્ડમાં બેથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તો સારી રીતે કામ થઇ શકે. જો કોઇવાર એક કોર્પોરેટરને અકસ્માત કે બીમારી થતી હોય તો તેની સામે પ્રજાના કામો અન્ય કોર્પોરેટર કરી શકે .

 

કોંગ્રેસના વર્તુળોમાં ચાલતી ચર્ચા પ્રમાણે સમગ્ર દેશમાં જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી થતી હોય તો ગુજરાતમાં ચૂંટણી પંચ આ પ્રમાણેનો અમલ કેમ કરતી નથી એક વોર્ડ એક બેઠક હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિની કામગીરી પ્રજા સમીક્ષા કરી શકે તેમ હોય છે.

You might also like