ચૂંટણી પંચે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી

ગાંધીનગર : રાજય ચૂંટણી આયોગ દ્વારા આજે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે પુનઃ સમીક્ષા કરાઈ હતી. અગાઉ પણ ચૂંટણી આયોગ કાયદો- વ્યવસ્થાની સમીક્ષા હેતુ ઉચ્ચસ્તરીય બેઠક કરી ચૂકયું હોઈ આજે પુનઃ સમીક્ષા બેઠક કરતા આ બાબત ચર્ચાસ્પદ બની હતી. સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કોર્પોરેશન અને નગરપાલિકાઓની ચૂંટણી સંદર્ભે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.

વડોદરાના કોંગ્રેસના કાર્યકરે એક વોર્ડમાં ચાર કોર્પોરેટની પેનલ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આના બદલે એક વોર્ડમાં એક કોર્પોરેટરની પેનલ બનાવવાની રજૂઆત કરતાં હાલમાં સુપ્રીમ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. હવે આ અંગે આગામી તા. ૨૮ નવેમ્બરે અંતિમ સુનાવણી થશે. જો કે સુપ્રીમ કોર્ટમાં ચાલતી કોર્પોરેટરોની પેનલ અંગેની કાનૂની લડતથી અમદાવાદ કોર્પોરેશન અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સ્વભાવિકપણે વિલંબમાં મૂકાઈ છે.

જો કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે કોઈ સ્ટે ન હોઈ આ ચૂંટણીઓ સમયાનુસાર થઈ શકે તેમ હતી પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ રાજય સરકારે પાછી ઠેલી છે. આ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી એકસાથે યોજવાની ગણતરીના પગલે આવો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. તેમ છતાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને વિલંબમાં મૂકવાનો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે.

એટલે તાજેતરમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર રહેવાની ‘ઉચ્ચસ્તરે’થી આહવાન કરાઈ રહ્યું છે. ભાજપે બુથ સમિતિની રચનાનું  કામ હાથ ધર્યું હોઈ આ બાબત પણ પક્ષની ચૂંટણીલક્ષી કવાયત તરીકે ઓળખાઈ રહી છે. જે આગામી તા. ૨૦ ઓકટોબરે પૂર્ણ થશે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને આજે રાજય ચૂંટણી આયોેગના ચૂંટણી કમિશ્નર નરેશસિંહાના નેતૃત્વમાં ગુજરતામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા  કરવા ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.

જેમાં રાજયના મુખ્ય સચિવ જી.આર. અલોરિયા તેમજ ગૃહસચિવના અધિક મુખ્ય સચિવ પી.કે. તનેજા, ચૂંટણી આયોગના સચિવ મહેશ જોષી વગેરે ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતાં. ચૂંટણી પંચની આ સમીક્ષા બેઠકમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરાઈ હતી જેના કારણે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવાની કવાયત શરૂ થઈ હોવાની ચર્ચા ઉઠી છે.

You might also like