ચૂંટણી ખર્ચ મામલે સાંસદો સાચા કે પક્ષો?

નવી દિલ્હીઃ લોકસભાની ર૦૧૪ની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા ચૂંટણી ખર્ચ અંગે રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો દ્વારા ચૂંટણીપંચને પૂરા પાડવામાં આવેલા આંકડામાં ભારે અંતર સામે આવ્યું છે. એડીઆરના રિપોર્ટ મુજબ ભાજપ અને કોંગ્રેસ સહિત પાંચ રાષ્ટ્રીય પક્ષોના ૩૪ર સાંસદોમાંથી ર૬૩ સાંસદોએ જણાવ્યું છે કે, તેમને પોતાના પક્ષો પાસેથી કુલ ૭પ.પ૮ કરોડ રૂપિયા મળ્યા હતા. જયારે આ પક્ષોના જણાવ્યા પ્રમાણે તેઓએ માત્ર ૧૭પ સાંસદોને પ૪.૭૩ કરોડ રૂપિયા આપ્યા છે.

ભાજપે ૧પ૯ સાંસદોને પૈસા આપ્યાઃ રિપોર્ટ અનુસાર ભાજપે કુલ ર૮ર સાંસદોમાંથી ૧પ૯ સાંસદોને ચૂંટણી ખર્ચ ઉપલબ્ધ કરાવ્યું હતું. તેમાં ૧૦પ સાંસદોએ જ સમાન રકમ દર્શાવી છે. ૩પ સાંસદોએ રકમ વધારીને બતાડી છે અને ૧૮ સાંસદોએ ઘટાડીને રકમ બતાવી છે. પક્ષના ૭૦ સાંસદો એવા છે કે, જેમણે કહ્યું છે કે, તેઓને પક્ષ તરફથી ૧૪.૩૬ કરોડ રૂપિયા મળ્યા છે. જયારે પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા ચૂંટણી ખર્ચના રિપોર્ટમાં તેણે આ સાંસદોને એકપણ પૈસો આપ્યો નથી.

કોંગ્રેસે ૪૪માંથી ૭ને ચૂંટણી ખર્ચ આપ્યોઃ કોંગ્રેસે પોતાના ૪૪માંથી માત્ર ૭ સાંસદોને જ ચૂંટણી ખર્ચ પેટે રકમ આપી હતી. જયારે ૧૧ સાંસદોનું કહેવું છે કે, પક્ષે તેમને કુલ રૂ.૧.૦૮ કરોડ આપ્યા છે. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના ૭ સાંસદોને ચૂંટણી ખર્ચ માટે કુલ ર.૭૦ કરોડ રૂપિયા આપ્યા છે. તેમાંથી છએ પક્ષ દ્વારા બતાડવામાં આવેલી રકમની સમાન જ ચૂંટણી ખર્ચ બતાવ્યો છે.

માત્ર સીપીએમના આંકડામાં અંતર નથી ઃ પાંચ રાષ્ટ્રીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, એનસીપી, સીપીએમ, સીપીઆઇમાં માત્ર સીપીએમના સાંસદો અને પક્ષની લેવડદેવડમાં કોઇ અંતર નથી. જેટલુ પક્ષ તરફથી મળ્યું છે તેટલો જ ખર્ચ તેઓએ બતાવ્યો છે. સીપીએમએ ૯માંથી ૪ સાંસદોને ચૂંટણી ખર્ચ માટે ૧.ર૮ કરોડ રૂપિયા આપ્યા હતા. સીપીઆઇના ન તો કોઇ સાંસદ અને ન પક્ષે ચૂંટણી ખર્ચની કોઇ વિગત આપી છે. બસપાને એક પણ બેઠક મળી નથી તેથી તેનો સમાવેશ કરાયો નથી.

એનસીપીના બે સાંસદો ખર્ચમાં તફાવતઃ એનસીપીના છ સાંસદો છે, પક્ષે આમાંથી પાંચને ચૂંટણી ખર્ચ પેટે ર.પ કરોડ આપ્યા હતા. બે સાંસદો એવા છે કે જેઓએ જણાવ્યું છે કે, તેમને પક્ષ તરફથી ૧.ર૪ કરોડ રૂપિયા મળ્યા છે. જયારે એનસીપીનું કહેવું છે કે તેણે સાંસદોને ૧ કરોડ રૂપિયા આપ્યા છે. ભાજપના સાંસદ શ્રીમતી માલા રાજય લક્ષ્મી શાહે જણાવ્યું છે કે, તેમને પક્ષ તરફથી કોઇ રકમ મળી નથી. જયારે પક્ષનું કહેવું છે કે, ચૂંટણી ખર્ચ માટે લક્ષ્મી શાહને ૧પ લાખ અપાયા છે. જો કે ભાજપ એક માત્ર પક્ષ છે કે જેણે પોતાના ૧૭ સાંસદોને ચૂંટણી ખર્ચ માટે ૧૦ લાખ કે તેથી ઓછી રકમ આપી છે. એડીઆરના રિપોર્ટ મુજબ કુલ ૮૮ સાંસદો કે જેમાં ભાજપના ૭૦ સાંસદોનો સમાવેશ થાય છે તેઓએ દાવો કર્યો છે કે, તેમને પક્ષ તરફથી નાણા મળ્યા છે પરંતુ ચૂંટણી પંચને આપવામાં આવેલા પક્ષના એકાઉન્ટમાં આ વિગતનો સમાવેશ નથી. ઉમેદવારે ખર્ચની વિગતો અને મળેલી રકમની વિગતો ચૂંટણીપંચને આપવાની હોય છે.

ઇલેકશન રિફોમ્ર્સએડવાઇઝરી ગ્રૂપનું કહેવું છે કે, ૮૮ સાંસદો કે જેમાં ભાજપના ૭૦, કોંગ્રેસના ૧૧, સીપીઆઇએમ પ અને એનસીપી અને સીપીઆઇ ૧૧ સાંસદોએ જાહેર કર્યું છે કે, તેઓને કુલ રૂ.૧૭.૦૯ કરોડ મળ્યા છે પરંતુ પક્ષોએ ચૂંટણીપંચને આપેલા હિસાબમાં આ બધાના નામ દેખાતા નથી.

જયંતસિંહાનો ૪પ લાખ, ઉમા ભારતીને ૪૦ લાખ, મુરલી મનોહરને ૩૮.પ૦ લાખ, સુમિત્રા મહાજનને ૧૧ લાખ, સંતોષ ગંગવારને ર૦ લાખ અને યુપીના કમલેશ પાસવાનને ૩૦ લાખ મળ્યાનું જાહેર કરવામાં આવ્યું છે. જયારે કોંગ્રેસના ૧૧ સાંસદોમાં કે. વી. થોમસ ર૦ લાખ, કે. સી.વેણુગોપાલ ૬૩.ર૦૦, મુલાપલ્લી રામચંદ્રન ૩૧.પ૦ લાખ મળ્યાનુ જણાવે છે પરંતુ પંચના રિપોર્ટમાં તેઓના નામ જ નથી.

 

You might also like