ચીન સહિત એશિયાઈ બજારોમાં રેડ મન્ડે  

અમદાવાદઃ આજે એશિયાનાં મોટાભાગનાં શેરબજારો રેડઝોનમાં ખૂલ્યાં હતાં. ચીનના શાંઘાઈ શેરબજાર ઈન્ડેક્સમાં ૪.૫ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ચીનમાં આર્થિક નરમાઈ જોવા મળી રહી છે તથા યુઆનનું અગાઉ અવમૂલ્યન કરાઈ ચૂક્યું છે. જ્યારે ગઈકાલે ૫૪૭ અબજ ડોલરનાં પેન્શન ફંડને સ્ટોક માર્કેટમાં લગાવવાની મંજૂરી અપાતાં નિષ્ણાતો આ નિર્ણયને આશ્ચર્યજનક ગણાવી રહ્યા છે. ચીનનું પેન્શન ફંડ દુનિયાનું સૌથી મોટું ફંડ માનવામાં આવી રહ્યું છે.

સરકારના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ ફંડ દ્વારા મોટા પ્રોજેક્ટમાં નાણાનું રોકાણ કરવામાં આવશે તથા સરકાર આ નિર્ણય બચાવમાં એવી દલીલ કરી રહી છે કે આ ફંડ દ્વારા ઊંચું રિર્ટન મેળવવાનો ઈરાદો છે. પરંતુ બીજી બાજુ નિષ્ણાતોના કહેવા પ્રમાણે ચીનમાં આ અગાઉ યુઆનનું અવમૂલ્યન કરાતાં નાનાં રોકાણકારોની કરોડોની સંપત્તિનું ધોવાણ થઈ ગયું હતું. તેઓને સંપર્ક કરાતા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે. દરમિયાન ચીન દ્વારા લેવાયેલા નિર્ણયના પગલે મોટાભાગના એશિયાઈ શેરબજારોમાં ગાબડાં પડ્યાં હતાં.

આજે શરૂઆતે જાપાનના નિક્કી ઈન્ડેક્સમાં ૧.૯૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હેંગસેંગ ઈન્ડેક્સમાં પણ ૩.૫૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સિંગાપુર શેરબજાર ઈન્ડેક્સ પણ ૨.૫ ટકા તૂટ્યો હતો.

You might also like