ચણાના ભાવમાં વધુ સુધારો નોંધાય તેવી શક્યતા

અમદાવાદઃ પાછલા કેટલાય સમયથી ચણાના ભાવમાં એકધારી તેજી જોવા મળી રહી છે તેવા સમયે જ એગ્રી કોમેડિટી એક્સચેન્જ દ્વારા જ કાળાબજાર અને જમાખોરી વધે તેવા પ્રકારનાં પગલાં લેવાતાં આગામી િદવસોમાં ચણાના ભાવમાં વધુ વધારો જોવાઈ શકે તેવી મજબૂત શક્યતા છે. વાયદા બજારના એક્સચેન્જ એનસીડીઈએક્સએ ચણામાં ફાઈનલ એક્સપાયરી ડેટને વધારી દીધી છે. એક્સચેન્જ દ્વારા લેવાયેલ નિર્ણયના પગલે વેરહાઉસિંગ ગોડાઉનમાં વધુમાં વધુ સાત મહિના સુધી ચણાનો સ્ટોક રાખી કાઢવામાં આવશે. દરમિયાન એક્સચેન્જે એવો દાવો કર્યો છે કે એફએમસીની મંજૂરી બાદ આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે. જાણકારો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વર્ષ ૨૦૧૨માં ચાર મહિના ફાઈનલ એક્સપાયરી ડેટ હતી. જ્યારે વર્ષ ૨૦૧૩માં આ સમયગાળામાં બે મહિનાનો વધારો કરી ૬ મહિના કરવામાં આવ્યો હતો. દરમિયાન એક્સચેન્જ દ્વારા લેવાયેલ નિર્ણયના પગલે ચણાના ભાવમાં વધુ આગેકૂચ જારી રહે તેવી મજબૂત શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક બજારમાં ૬૦થી ૭૦ રૂપિયાના પ્રતિકિલોના ભાવે  ચણા વેચાઇ રહ્યા છે. છેલ્લા  છ મહિનામાં ચણાના ભાવમાં ૩૦થી ૪૦ ટકા સુધીનો વધારો જોવાઇ ચૂક્યો છે.
You might also like