ચંડીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશને સમર્પિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ચંડીગઢઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચંડીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટ બે માળનું છે. પ્રથમ માળે ડોમેસ્ટિક અને બીજા માળે ઈન્ટરનેશનલ ફ્લાઈટના ટર્મિનલ બનાવવામાં આવ્યા છે. આ એરપોર્ટમાં ૪૮ ટિકિટ કાઉન્ટર અને ૧૦ ઈમિગ્રેશન કાઉન્ટર બનાવવામાં આવ્યાં છે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ આધુનિક ટેકનિકથી સજ્જ છે. આ દેશનું એવું પ્રથમ એરપોર્ટ છે, જે નિર્ધારિત સમય કરતાં ૧૦ દિવસ પહેલાં જ તૈયાર થઈ ગયું હતું. આ એરપોર્ટની અનેક ખૂબીઓ છે, જેમ કે નવા એરપોર્ટમાં એરફોર્સના જ રનવેનો ઉપયોગ થશે અને આ  દેશનું પ્રથમ ગ્રીન એરપોર્ટ છે. 

એરપોર્ટની ખાસિયત એ છે કે તેમાં એક પણ લાલ ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન એરપોર્ટ ઓથોરિટીએ ઈન્ટરનેશનલ એરપોર્ટનું બિલ્ડિંગ તૈયાર કરવા માટે લાલ ઈંટની જગ્યાએ ફ્લાયએશ ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઈન્ટરનેશનલ એરપોર્ટમાં સ્કાયલાઈટ પ્લેટ લગાવવામાં આવી છે, જે સૂરજનાં કિરણોને ગ્રહણ કરીને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આ એરપોર્ટને સંપૂર્ણપણે ગ્રીન બનાવવામાં આવ્યું છે, જેનાથી પ્રવાસીઓને શુદ્ધ વાતાવરણ મળી રહેશે. ૩૦૬ એકરમાં પથરાયેલા આ એરપોર્ટના નિર્માણના પ્રથમ તબક્કામાં રૂ. ૫૦૦ કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

ચંડીગઢમાં અત્યાર સુધીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપલબ્ધ ન હતું. હવે આ એરપોર્ટનું નિર્માણ થતાં બે ખાનગી કંપનીઓ દુબઈ માટે અહીંથી ફ્લાઈટ શરૂ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચંડીગઢ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ હવે ઉત્તરાખંડ જવા રવાના થશે. મોદી ઉત્તરાખંડમાં ઋ‌િષકેશના શીશ મઝડીમાં સ્વામી દયાનંદગીરીના આશ્રમમાં જશે, જે મોદીના ગુરુ છે.

You might also like