ગ્લેશિયરમાં શૂટિંગ મુશ્કેલ હતુંઃ સલમાન 

સલમાનખાનની અતિ રાહ જોવાઈ રહેલી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું ટ્રેલર તાજેતરમાં જારી થયું છે. અા ફિલ્મ હવે ઈદ પર રિલીઝ થવાની છે. અા ફિલ્મ અંગે વાત કરતાં સલમાનખાન કહે છે કે અા ફિલ્મની કહાણી એક પાંચ વર્ષની પાકિસ્તાની છોકરીની છે, જે ભારતના એક રેલવે સ્ટેશન પર પોતાની માતાથી વિખૂટી પડે છે, ખૂબ જ ભૂખી-તરસી અા છોકરી પવન પાસે પહોંચે છે. હું પવનના રોલમાં છું. પવન અા છોકરીને પોતાના ઘરમાં રાખે છે. તે હનુમાનજીનો પણ મોટો ભક્ત છે. પવન એક એવા પરિવારમાંથી અાવે છે, જે લોકો કુસ્તીને વધુ મહત્ત્વ અાપે છે. અા છોકરીની માસૂમિયત જોઈને તેનાં માતા-પિતા સાથે મળાવવાનું નક્કી કરે છે, પરંતુ તેના માટે અા વાત એટલી સરળ હોતી નથી, કેમ કે પાકિસ્તાનમાં તેનાં માતા-પિતા સુધી તેને પહોંચવામાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. 

‘બજરંગી ભાઈજાન’ ફિલ્મનું શૂટિંગ ગ્લેશિયરમાં કરવામાં અાવ્યું છે, જે ખૂબ જ મુશ્કેલ હતું. અા અંગે વાત કરતાં સલમાન કહે છે કે ગ્લેશિયર પર જવા માટે ફિલ્મના અાખા યુનિટે એક કિલોમીટર સુધી પગપાળા જવું પડતું હતું. બર્ફીલા તોફાનોની વચ્ચે શૂટિંગ કરવું ખરેખર અઘરું હતું.

સલમાનખાન પહેલાં કરણ જોહરની ફિલ્મ ‘શુદ્ધિ’માં કામ કરવાનો હતો, પરંતુ સલમાનખાન અને કરીના કપૂર બંનેએ અા ફિલ્મ છોડી દીધી હોવાની વાતો વહેતી થઈ. અા અંગે વાત કરતાં સલમાન કહે છે કે કરણ જોહરે મને અા ફિલ્મમાંથી કાઢી મૂક્યો. રહી વાત કરીનાની તો તેણે તો પહેલાં જ અા ફિલ્મ છોડી દીધી હતી, જ્યારે મારી જગ્યાએ હવે ઋ‌િત્વક અા ફિલ્મમાં કામ કરવાનો છે.  •

 

You might also like