ગ્રાહકને ‘કેવાયસી’ની વારંવાર ઓળખ આપવામાંથી મુક્તિ મળશે

નવી દિલ્હીઃ ગ્રાહકને બેન્ક, ઇન્સ્યોરન્સ, સ્ટોક માર્કટ તથા અન્ય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં કેવાયસી આપવું જરૂરી છે, પરંતુ ગ્રાહકને વારંવાર જુદી જુદી એજન્સીઓમાં નો યોર કસ્ટમર-આઇડેન્ટિફિકેશન આપવામાંથી આગામી દિવસોમાં મુક્તિ મળશે. કેવાયસીનું એક વાર વેરિફિકેશન થયા બાદ ગ્રાહકને આ સંબંધી ઝંઝટમાંથી મુક્તિ મળી જશે, જેમાં નાણાં વિભાગ ગ્રાહકનો કેવાયસી સંબંધી રેકર્ડ સેન્ટ્રલ રજિસ્ટ્રીમાં રાખશે, જે રેકર્ડ ઓગસ્ટ મહિનામાં તૈયાર થઇ જશે. નાણાં વિભાગે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. આ પ્રકારની સિસ્ટમ આવવાથી ગ્રાહકને નાણાકીય એજન્સી સાથે કામકાજ કરવામાં સરળતા રહેશે.

નાણાં વિભાગના જણાવ્યા પ્રમાણે બેન્ક, ઇન્સ્યોરન્સ એજન્સી, સ્ટોક માર્કેટ તથા વિવિધ ફાઇનાન્શિયલ એજન્સી આ દાયરામાં આવશે, જેમાં ગ્રાહકે કેવાયસી સંબંધી તમામ વિગતો આપવી પડશે. એજન્સી ગ્રાહકના દસ્તાવેજની તપાસ કર્યા બાદ સર્ટિફિકેટ આપશે કે જે નવું બેન્ક ખાતું ખોલાવવા માટે તથા અન્ય નાણાકીય એજન્સીઓમાં નવાં ખાતાં ખોલાવવા માટે કેવાયસીની ઝંઝટમાંથી રાહત આપશે. એક જ બેન્કની જુદી જુદી સેવાઓ લેવા માટે ગ્રાહકને અલગ અલગ કેવાયસી આપવું પડે છે. આ પ્રકારની સિસ્ટમથી ગ્રાહકને રાહત થશે.

You might also like