ગૌમાંસ હત્યા કેસમાં રાજકારણઃ કેજરીવાલ પણ બસારા પહોંચ્યા

નવી દિલ્હીઃ નોઈડા નજીક બસારા ગામમાં ગૌમાંસ ખાવાની અફવા પર થયેલી એક મુસ્લિમની હત્યાના મામલે હવે રાજકારણ ચાલી રહ્યું છે. આ રાજકારણમાં હવે આમ આદમી પાર્ટીએ પણ ઝુકાવ્યું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ આજે બસારા ગામ પહોંચ્યા હતા અને હિંસા પીડિતોને મળ્યા હતા. તેમની સાથે પક્ષના નેતા સંજયસિંહ અને કુમાર વિશ્વાસ પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બસારા ગામમાં આજકાલ રાજકીય નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પણ પીડિત પરિવારને મળ્યા હતા અને જણાવ્યું હતું કે એક પૂર્વયોજિત કાવતરા હેઠળ અખલાકની હત્યા કરવામાં આવી છે.

બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન અને આ વિસ્તારના સંસદસભ્ય મહેશ શર્માએ  જે જગ્યાએથી ગૌહત્યાની અફવા ફેલાવવામાં આવી હતી તે ગામના મંદિરમાં પંચાયત ભરી હતી. મહેશ શર્માએ જણાવ્યું હતું કે આ હત્યા એક અકસ્માત છે અને હત્યાના આરોપીઓને ન્યાય અપાવવાની વાત કરી હતી. આ ઘટના ૨૯ સપ્ટેમ્બરની છે કે જ્યારે ગૌમાંસની અફવા પર ગામમાં એક ટોળાએ અખલાકને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને તેના પુત્રને લોહીલુહાણ કરી નાખ્યો હતો. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દાદરીકાંડમાં ટ્વિટર પર અફવા ફેલાવવા બદલ પોલીસે કેસ દાખલ કર્યોનોઈડા: દાદરી હત્યાકાંડમાં પોલીસે આજે અફવા ફેલાવવાના આરોપસર એક ટ્વિટર એકાઉન્ટ વિરુદ્ધ કેસ કર્યો છે. તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અનુજકુમાર@કે૨૫ પર ઉશ્કેરણીજનક વાતો લખવામાં આવી હતી અને એક તસવીર પણ પોસ્ટ કરાઈ હતી. જ્યારે આ એકાઉન્ટ ચલાવનાર શખસનું કહેવું છે તેના ટ્વિટ દાદરીકાંડને સંબંધિત ન હતા. તેણે કોઈની હત્યા કરાવી નથી. તેણે માત્ર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. આ શખસના જણાવ્યા અનુસાર જો પોલીસ મારી ધરપકડ કરશે તો હું જામીન મેળવી લઈશ. દિલ્હીની નજીક આ‍વેલા દાદરી જિલ્લાના ગામમાં ૫૦ વર્ષના મુસ્લિમ અખલાકની હત્યા એટલા માટે કરવામાં આવી હતી, કારણ કે તેણે પોતાના ઘરે ગૌમાંસ રાખ્યું હતું. આ વિસ્તારમાં આ ઘટનાને લઈને ભારે તંગદિલી પ્રવર્તી રહી છે. 

You might also like