ગોમતીપુર જૂથ અથડામણમાં નવ અારોપીની ધરપકડ

અમદાવાદ: શહેરનાં ગોમતીપુર વિસ્તારમાં મરિયમ બીબી ચાલી પાસે ગત બપોરે થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસે નવ અારોપીની ધરપકડ કરી છે. અા ઘટનામાં પાંચથી છ લોકોને ઇજા થઈ હતી. પોલીસે સામ સામે ફરિયાદ લઈ રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગઈકાલે ગોમતીપુર મરિયમ બીબી ચાર રસ્તા નજીક એક મુસ્લિમ પરિવારને ત્યાં પ્રસંગ હતો જેથી જમણવાર માટે ત્યાં રસોઈ બની રહી હતી. દરમિયાનમાં સિલ્વર મિલના મેદાનમાંથી કેટલાક જુગારી અને દારૂડિયાઅો ત્યાં અાવી બોલાચાલી કરવા લાગ્યા હતા.

જેના કારણે રસોઈ બનાવનાર લોકો અને જુગારીઅો વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે દરમિયાનમાં બે રિક્ષાવાળાઅોની પણ ટક્કર વાગતાં બે જૂથો સામ સામે અાવી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાંચ, સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અા ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી.

પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ નવ અારોપીની ધરપકડ કરી છે.  ગોમતીપુર વિસ્તારમાં અાવેલા સિલ્વર મેદાન તેમજ કેટલાક સ્થળોઅે દારૂ જુગારના અડ્ડાઅો ધમધમે છે જેથી સ્થાનિકો અા બાબતથી ત્રાસી જાય છે અને બોલાચાલી થતાં તોફાનોના બનાવ બને છે. અાવા સ્ટેન્ડો ચાલતાં હોઈ પોલીસ દ્વારા જ અસામાજિક તત્ત્વોને છાવરતાં હોવાનો સ્થાનિકોઅે અાક્ષેપ કર્યો હતો.

You might also like