ગેટ-૨૦૧૬ માટે આજથી ઓનલાઈન અરજી કરાશે

અમદાવાદ : કોઈ પણ ઈજનેરી વિદ્યાશાખાની ડિગ્રી મેળવ્યા બાદ અનુસ્નાતક કક્ષાએ આઈઆઈટી (ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી)માં પ્રવેશ મેળવવા ગેટ (ગ્રેજ્યુએટ એટિટ્યુટ ટેસ્ટ ઇન એન્જિનીયરીંગ)ની પરીક્ષા લેવામાં આવે છે. આગામી વર્ષે આ પરીક્ષા ૩૦ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી દરમિયાન દેશભરમાં યોજવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે આવતીકાલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ઈજનેરી કોલેજમાં કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી મેળવ્યા બાદ અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાની ડિગ્રી, આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી મેળવવી હોય તો ગેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. દેશભરની ઈજનેરી કોલેજનાં પાંચમાં અને સાતમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે.

આ પરીક્ષામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટેશનની પ્રક્રિયાનો આવતીકાલથી પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ ૧ સપ્ટેમ્બર સુધીમાં પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યાર બાદ અરજી કરનાર ઉમેદવારોવ ૧૭ ડિસેમ્બર-૨૦૧૫છી પોતાનાં એડમિડ કાર્ડ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે.જ્યારે પરીક્ષાનું પરિણામ ૧૯ માર્ચ ૨૦૧૬નાં રોજ જાહેર કરવામાં આવશે.

ગેટ-૨૦૧૬ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ ફેરબદલ કરવામાં આવ્યા છે. જે મુજબ હવેથી ગેટની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકશે  નહીં, વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન માત્ર ઓનલાઈન વર્ચ્ચુલ કેલક્યુલેટરનો જ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ આ વર્ચ્ચુલ કેલક્યુલેટરની પરીક્ષા પહેલા ગેટ-૨૦૧૬ની વેબસાઈટ પર ઓનલાઈન પ્રેક્ટીસ પણ કરી શકશે. આ વખતે ગેટની પરીક્ષામાં પેટ્રોલીય એન્જિન્યરીંગનું એક વધારાનું પેપર પણ દાખલ કરવામાં આવ્યું છે.

 

જે સાથે આ વખતે પેપરોની સંખ્યા વધીને ૨૩ પર પહોંચી છે. ગુજરાતમાં ગેટની પરીક્ષા ચાર સેન્ટરો ખાતે યોજવામાં આવશે જેમાં અમદાવાદ, વડોદરા, સુરત  અને રાજકોટનો સમાવેશ થાય છે.

You might also like