ગુરકીરતના ઓલરાઉન્ડર પ્રદર્શનથી ભારત-એ એ બાંગ્લાદેશ-એ ને હરાવ્યું

બેંગ્લુરુ: અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનાર ત્રણ વન-ડે મેચોની સિરીઝની પહેલી મેચમાં બારત-એ એ શાનદાર પ્રદર્શન કરતાં બાંગ્લાદેશ-એ ને ૯૬ રને હરાવ્યું છે. ભારત-એ તરફથી ગુરકીરતસિંહે ઓલરાઉન્ડર પ્રદર્શન કરતાં ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારતના સાત વિકેટે ૩૨૨ રનના પડકાર સામે બાંગ્લાદેશ-એની ટીમ ૪૨.૩ ઓવરમાં માત્ર ૨૨૬ રન બનાવી શકતા આ પ્રથમ વન-ડેમાં ભારત-એનો ૯૬ રને વિજય થયો હતો. બાંગ્લાદેશ તરફથી લિટનદાસે ૭૫ રન અને નાસિર હુસેને ૫૨ રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઇ બેટસમેન ક્રિઝ પર ટકી શક્યો નહતો, અને બાંગ્લાદેશની સમગ્ર ટીમ માત્ર ૨૨૬ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી.ભારતની ટોપ બેટિંગ લાઇન નિષ્ફળ જતાં ગુરકીતે શાનદાર ૬૫ રન અને બોલિંગમાં બાંગ્લાદેશની પાંચ વિકેટ ઝડપી ઓલ રાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. જ્યારે શ્રીનાથ અરવિંદ ત્રણ અને ઋષિ ધવને ઝડપી ૫૬ રન ઉપરાંત બે વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતી ભારતને બેટિંગમાં ઉતારતાં ભારત-એ તરફથી ઉન્મુક્ત ચંદ અને મયંક અગ્રવાલે ૪૪ રનની ભાગીદારી કરી સારી શરૂઆત કરી પરંતુ કપ્તાન ઉન્મુક્ત ચંદ ૧૩ રને આઉટ થઇ ગયો. તેના સ્થાને આવેલ મનીષ પાંડે પણ ૧૦ બોલમાં એક રન બનાવી ચાલતો થયો.ત્યારબાદ મેદાનમાં આવેલ સુરેશ રૈના પર બધાની નજર હતી. રૈનાએ ત્રણ લાજવાબ ચોગ્ગા ફટકારી સારી શરૂઆત પણ કરી, પરંતુ ૨૮ બોલમાં ૧૬ રન બનાવ્યા પછી તે ઓફ સ્પિનર નાસીર હુસેનના બોલ પર એલબીડબ્લ્યુ થઇ ગયો. આમ ૨૬ ઓવરની અંદર ટોચની પાંચ વિકેટ ગુમાવ્યા પછી છઠ્ઠી વિકેટમાં સંજુ સેમસન અને ગુરકીતસિંહએ શાનદાર રમત બતાવી ભારતની બાજી સંભાળી. આ બંને વચ્ચે ૧૦૨ રનની ભાગીદારી થઇ. સેમસને ૭૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ગુરકીતસિંહના ૬૫ રન હતા. પરંતુ ભારત-એના સ્કોરને ઋષિ ધવને ગતિ આપી. ઋષિએ ૩૪ બોલમાં અણનમ ૫૬ રનની ઇનિંગ રમી જેમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ છે. ભારત-એ નીચલા ક્રમના શાનદાર પ્રદર્શનથી ૩૨૨ રનનો વિશાળ સ્કોર ઊભો કરી શક્યું હતું.
 
You might also like