ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીન પાછળ જ કચરાના ઢગલા

અમદાવાદઃ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજની કેન્ટીનમાં ખોરાક લીધા બાદ ૧૫૦ વિદ્યાર્થીઓને ઝાડા-ઊલટીની ફરીયાદ થતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ પ્રકારની ઘટના સામે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો જ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગે છે. અનેક સમય સુધી બંધ પડી રહેલી કેન્ટીનને ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ શરૂ તો કરાવી પણ આ કેન્ટીનની સાફસફાઇ અંગે સત્તાધીશો કેટલા ગંભીર છે તેની ચાડી ખુદ હોસ્ટેલના રસોડાની પાછળ આવેલી દીવાલ પાસેની ગંદકી જ ખાય છે.

વિદ્યાર્થીઓને ખાણીપીણી મળી રહે તે હેતુથી ગુજરાત યુનિવર્સિટીના સંચાલકોએ પાંચથી દસ વર્ષ બંધ પડી રહેલી કેન્ટીનને ફરી ચાલુ કરી હતી, જે બાદ હવે સત્તાધીશો જ કેન્ટીનની સાફસફાઇ રાખી રહ્યા નથી. કેન્ટીનનું રસોડું જ્યાં ધમધમી રહ્યું છે તેને અડીને આવેલ દીવાલ પાસે તૂટેલી પ્લાસ્ટિકની ખુરશીઓ અને ગટરનાં ગંદા પાણી વહી રહ્યાં છે. સાથે જ દીવાલને અડીને શૌચાલય પણ રાખી મૂકવામાં આવેલું છે. અનેક વિદ્યાર્થીઓ આ કેન્ટીનની મુલાકાત લેતા હોય છે તેવા સમયે કેન્ટીનના ખોરાક લીધા બાદ વિદ્યાર્થીઓ સાથે પણ સેન્ટ ઝેવિયર્સ જેવી ઘટનાનું પુનરાવર્તન થાય તો જવાબદાર કોણ તે ગંભીર પ્રશ્ન છે.

શહેરમાં વધી રહેલા ડેન્ગ્યુ,મેલેરિયાના રોગ સામે કેન્ટીનમાં આવતા વિદ્યાર્થીઓ પણ ગંદકી અને ગટરના ઊભરાતા પાણીથી રોગચાળામાં સંપડાય તેના માટે કોણ જવાબદાર તેનો જવાબ યુનિવર્સિટી સત્તાવાળાઅો પાસે નથી.

You might also like