ગુજરાતે અપનાવેલી સ્કીલ ડેવલપમેન્ટ અંગેની યોજના અન્ય રાજ્યો અપનાવે

અમદાવાદ : મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના નેતૃત્વમાં ગુજરાતે સ્કીલ ડેવલપમેન્ટને સુદ્દઢ કરવાના અપનાવેલા નવા આયામો-વિવિધ યોજનાઓનો અન્ય રાજ્યો પણ અમલ કરે તેવી ભલામણ નીતિ આયોગે કરી છે. નીતિ આયોગ દ્વારા રચાયેલા સ્કીલ ડેવલપમેન્ટ માટે વિવિધ રાજ્યોના મુખ્ય મંત્રીઓના સબગ્રૂપના આખરી અહેવાલમાં ગુજરાતે સ્કીલ ડેવલપમેન્ટ પ્રણાલી સુદ્દઢ-સુગ્રથિત કરવા જે જે પગલાંઓ લીધાં છે તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જેમાં મુખ્ય શિક્ષણ ધારાને વ્યવસાયલક્ષી શિક્ષણ સાથે સાંકળવા લેવાયેલ નિર્ણયો, વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ ગ્રામ્યસ્તર સુધી પહોંચાડવા અને વધુને વધુ મહિલાઓ વ્યવસાયલક્ષી શિક્ષણમાં જોડાય તે માટેની કૌશલ્યવર્ધન કેન્દ્રની યોજના, ફ્લેક્ષી એમ.ઓ.યુ. અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ યોજના દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના ઉત્કૃષ્ટીકરણની યોજના, ઈન્ડસ્ટ્રીયલ કૌશલ્યવર્ધન કેન્દ્રની યોજના અને સ્ટાર્ટઅપ તેમજ ઈનોવેશન માટેની ઉદ્યોગ ખાતાની પહેલકારક યોજનાનો સમાવેશ થાય છે.

આ સબ ગ્રૂપના સભ્યો તરીકે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ ઉપરાંત આસામ, છત્તીસગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, મેઘાલય, ઓરિસ્સા, પોંડિચેરી, પંજાબ, તામિલનાડુ અને ત્રિપુરા રાજ્યના મુખ્ય મંત્રીઓ નિયુક્ત થયેલા છે તેમજ સબ ગ્રૂપના કન્વિનર પદે પંજાબ રાજ્યના મુખ્ય મંત્રીની વરણી કરવામાં આવી છે. આ સબ ગ્રૂપની મુખ્ય બે બેઠકો તથા દિલ્હી ખાતે વિવિધ મંત્રાલયો, શીલોંગ ખાતે નોર્થ ઈસ્ટના રાજ્યોની રિજિયોનલ બેઠક તેમજ રાયપુર ખાતે સભ્યો ન હોય તેવા રાજ્યો સાથે વધારાની બેઠકો યોજવામાં આવી હતી.

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે નવી દિલ્હી ખાતે નીતિ આયોગમાં ૨૫મી એપ્રિલ, ૨૦૧૫ની પ્રથમ બેઠક તેમજ રાયપુર-છત્તીસગઢ ખાતે ગત ૭મી જૂને બીજી બેઠકમાં હાજરી આપી હતી. તેમણે બન્ને બેઠકોમાં સ્કીલ ડેવલપમેન્ટ વિષયમાં ગુજરાતની વિશિષ્ઠ પ્રણાલીઓ અને સિદ્ધિઓ વર્ણવતું પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રભાવક પ્રેઝન્ટેશન અને સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાતની પરિણામકારી સિદ્ધિઓની ફલશ્રુતિએ સબ ગ્રૂપ દ્વારા રજૂ કરાયેલ તેના આખરી રિપોર્ટમાં ગુજરાત દ્વારા સ્કીલ ડેવલપમેન્ટ પ્રણાલીને સુદ્દઢ કરવા લેવાયેલ મોટાભાગના પગલાંઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

You might also like