ગુજરાતનાં શક્તિતીર્થ

કહેવાય છે કે સતિના દેહત્યાગ પછી ભગવાન શંકર તેમનો દગ્ધદેહ ખભે લઇ નીશદિન સચરાચરમાં વિચરતા હતા ત્યારે તેમના શોકનો ત્યાગ કરવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે ૫૨ (બાવન) ટુકડા કર્યા, જે ટુકડા જુદા જુદા સ્થળે પડતાં જ્યાં ત્યાં ૫૨ શક્તિપીઠ રચાયાં. જેમાંના કેટલાંક શક્તિપીઠ આપણા ગુજરાતમાં પણ છે. જેમાંથી મુખ્ય મુખ્ય શક્તિતીર્થ વિશે થોડુંક આચમન આ લેખના માધ્યમથી કરીએ.

આશાપુરા માતાનો મઢ

ભૂજથી ૯૯ કિમી દૂર આવેલ કચ્છમાં કુળદેવી મા આશાપુરાનો મઢ આવેલો છે. આસોની નવરાત્રિમાં શ્રદ્ધાળુ પદયાત્રીઓ હજારોની સંખ્યામાં દર્શનનો લાભ લે છે. કચ્છના રાજકુટુંબનાં ઇષ્ટદેવી મા આશાપુરાને સાડા ચારસો વર્ષથી નવરાત્રિમાં કચ્છના રાજવી કુટુંબના સભ્યો ચામર ઓઢાડે છે. આશાપુરા મંદિર ઘણું જ પુરાણું છે. ચૈત્ર તથા આસો મહિનાની નવરાત્રિના શુભ દિને અહીં હોમ હવન થાય છે.

શ્રી ઉમિયા માતાજી

વિશ્વભરમાં વસતા કડવા પાટીદારોનાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મૂળ મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલું છે. નવરાત્રિમાં મંદિરના ચોકમાં ભવ્ય નવરાત્રિનું  આયોજન કરવામાં આવે છે.

હરસિદ્ધ માતાજી

જામનગર જિલ્લાની સરહદે દરિયાકિનારે આવેલું હરસિદ્ધ માતાનું પ્રાચીન મંદિર પોરબંદરથી ૨૨ કિમી અને દ્વારકાથી આશરે ૪૦ કિમી દૂર આવેલું છે. મૂળ મંદિર તો કોઇલાણા ડુંગર પર આવેલું છે. એક લોકવાયકા મુજબ મહારાજા વિક્રમાદિત્યે ખૂબ તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યાં અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઇ ગયા. આમ તો માતાજીનો વાસ દિવસ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધ મંદિરમાં અને રાત્રે જામનગરના હરસિદ્ધ મંદિરમાં હોય છે. કહેવાય છે કે માતાજી અહીં પધારે ત્યારે હિંડોળાનો અવાજ થાય પછી જ આરતી થાય છે.

ચોટીલા

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇ વે પર આવેલું ચોટીલા ગામ માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં ગુજરાતનું અનોખું તીર્થધામ છે. ચોટીલામાં ૫૦૦ જેટલાં પગથિયાં છે. મંદિરમાં આઠમે નવરાત્રિમાં હવન થાય છે તથા નવે નવ દિવસ શણગાર થાય છે.

ખોડિયાર માતા

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલા રાજપરા ગામની સીમમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર એ ભાવનગર રાજ્યના રાજવી કુટુંબનાં કુળદેવી તરીકે જાણીતું છે. ખોડિયાર માતાના મંદિરે લોકો ખાસ કરીને ચાલીને જવાની બાધા રાખે છે. રવિવારે ખૂબ ભીડ હોય છે.

મા ભુવનેશ્વરી મંદિર (ગોંડલ)

ગોંડલની ‘ભુવનેશ્વરી પીઠ’ શક્તિ માહાત્મ્યની રીતે ખૂબ જ પ્રતિષ્ઠાવાન છે. ભારતભરમાં તુંગભદ્રા નદીને કિનારે, જ્યારે બીજું સૌરાષ્ટ્રના ગોંડલમાં એમ બે જ મંદિર આવેલાં છે.

બુટભવાની મંદિર (અરણેજ)

અમદાવાદથી ૬૫ કિમી દૂર આવેલ અરણેજ પાસે માતા બુટભવાનીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અરણેજમાં બુટભવાની માતા અંગેનો ઇતિહાસ એવો છે કે વડોદરાના દામાજી ગાયકવાડ અરણેજના કારભારી હતા. તેમણે અરણેજના પાદરમાં લશ્કરની છાવણી નાખેલી ત્યારે તેમને અને અંગ્રેજ વાઇસરોયને માતાજીના પરચા મળેલા. તેઓ માતાજીમાં વિશ્વાસ કરવા લાગ્યા. અરણેજ ગામ ગાંગડ સાણંદ ભાયાતમાં આવતું હોવાથી તેના કારભારીને બોલાવી અરણેજ ગામમાં બુટભવાનીને નામે તાંબાનાં પતરાં પર લખીને ચરણે ધર્યું. ત્યારથી માતાજી ‘રાજરાજેશ્વરી’ના નામથી ઓળખાયાં. શ્રાવણ વદ અમાસ અને ચૈત્ર સુદ બારશ એમ બે મોટા ઉત્સવ થાય છે. ચૈત્ર સુદ બારશ અને પૂનમે મોટો મેળો ભરાય છે અને નવરાત્રિના નવે નવ દિવસ વાતાવરણ ભક્તિમય રહે છે.      

You might also like