ગણેશ વિસર્જનમાં પણ પટેલ આંદોલન ઇફેકટ

રાજપીપલા : સરકારે પાટીદાર આંદોલનને ટાળવા ૧૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરી આંદોલનને ઠંડુ પાડી દીધું હોવાનું માને છે પરંતુ પાટીદારોને આ પેકેજ મંજુર નથી જેઓ આ પેકેજને લોલીપોપ કહે છે અને આ અનામતની આગ આવનારા દિવસોમાં વધુ ઉગ્ર બને તે માટે પાટીદારો હજુ વધુ પ્રયાસો કરવા સજ્જ બન્યા છે. રાજપીપલામાં વિરોધમાં ટીશર્ટો પહેરી પહેરી આંદોલનનું ગીત વગાડી વિરોધ કરી રહ્યાં છે અને જે આંદોલન ચાલુ રાખવાની વાત કરી હતી.

ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં પણ પાટીદારો દ્વારા વિરોધ પ્રદર્શન અનોખી રીતે કરવામાં આવ્યું આજે આ વિસર્જનના વરઘોડામાં પાટીદારો દ્વારા અનામતની માંગ કરતાં ફિલ્મી ગીતોના રાગમાં તૈયાર કરેલા ગીતો પર નાચી કૂદી પટેલોએ અનામતની માંગને બુલંદ કરી હતી. આ અંગે રોહિતભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે માસથી અમે અનામતની માંગ કરીએ છે પણ સરકારે અમને પેકેજના નામે લોલીપોપ આપી છે જે અમને મંજુર નથી અને જયાં સુધી અનામત નહિ મળે ત્યાં સુધી અનામતની માંગ સાથે અમારૃં આંદોલન ચાલુ રહેશે.

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન નર્મદા જિલ્લામાં ૧૮મોટા અને ૧૭ નાના ગણપતિ મળી કુલ ૩૫ ગણપતિનું નર્મદામાં વિસર્જન કરાયું હતું. તિલકવાડામાં ૮મોટા ૩૧ નાના મળી કુલ ૩૯ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. આઝાદ ચોકમાંથી વાજતે ગાજતે ગણેશજીની શોભાયાત્રા કાઢી આરતી પૂજન કરી વિસર્જન કરાયું હતું. સમગ્ર જિલ્લામાં પાંચ તાલુકામાં ગણેશ વિસર્જન ટાણે ચાંપતો લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

રાજપીપળામાં ડીવાયએસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઈ એ. વી. કારગડ સહિત બે પીઆઈ, ૧૦ પોસઈ, ૧૬૮ પોલીસ, ૧૧ હોમગાર્ડ, ૬ સેકશન એસઆરપી, ૭૧ જીઆરડી ખડકી દેવાઈ હતી. કરજણ નદીની બાજુમાં કૃત્રિમ તળાવ તૈયાર કરાયું હતું. જેમાં નાની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. નદી કિનારે છેલ્લી આરતી કરી પુઢચ્યા વરસી લવકર યાના નાદ સાથે ગણેશ વિસર્જન કરાયું હતું. કરજણ નદી કિનારે વિસર્જન માટે છ ડ્રમવાળા બે તરાપા તૈયાર કરાયા હતા.

You might also like