ગણેશ ચતુર્થી અને પર્યુષણ પર્વ નિમિત્તે ફૂલબજારમાં ગરમાવો

અમદાવાદઃ આજે કેવડા ત્રીજ અને આવતી કાલે ગણેશ ચતુર્થી છે તથા પર્યુષણનું પર્વ પણ આવતી કાલે જ છે ત્યારે મંદિરોમાં તથા વિવિધ ગણેશ મંડળોમાં સુશોભનને લઇને ફૂલની માગમાં મોટો વધારો જોવાયો છે, જેના પગલે ફૂલબજારમાં ગરમાવો જોવા મળ્યો છે. ખાસ કરીને સુશોભન માટે વધુ વપરાશમાં લેવામાં આવતાં ગુલાબનાં ફૂલના ભાવમાં પાછલા એક જ મહિનામાં કિલોએ રૂ. ૨૦થી ૨૫નો ઉછાળો નોંધાઈ છૂટકમાં રૂ. ૮૦થી ૧૦૦ ભાવ જોવા મળ્યા છે. જૈનોના દેરાસરમાં સુશોભન માટે ફૂલનાે ઉપયોગ વધતાં માગમાં મોટો ઉછાળો આવ્યો છે એટલું જ નહીં ગણેશ ચતુર્થી હોવાના કારણે પણ શહેરમાં ગણેશ મંડળો સહિત ગણપતિ સ્થાપન કરતા લોકો દ્વારા ફૂલની માગમાં વધારો થતાં ગુલાબના ફૂલ સહિત હજારી ગલના ફૂલના ભાવમાં પણ ઉછાળો જોવાયો છે. જમાલપુર ખાતેના ફૂલ બજાર એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ફૂલ બજારમાં ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણે ભાવ નક્કી થતા હોય છે. તહેવારોમાં માગ વધી જતી હોય છે અને તેને પગલે ભાવમાં પણ ઉછાળો આવતો હોય છે. આવતી કાલના ગણેશ ચતુર્થી અને પર્યુષણ પર્વ નિમિત્તે ડેકોરેશનમાં લેવામાં આવતાં ગુલાબનાં ફૂલ સહિત મોટા ભાગનાં ફૂલના ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. 
You might also like