ખેલ રત્ન પુરસ્કાર માટે સાનિયાના નામની ભલામણ

નવી દિલ્હીઃ રમત મંત્રાલયે એ અહેવાલની પુષ્ટિ કરી દીધી છે કે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને દેશના સૌથી પ્રતિષ્ઠિત ખેલ પુરસ્કાર ‘રાજીવ ગાંધી ખેલ રત્ન’ માટે પસંદ કરાઈ છે. જોકે રમત મંત્રાલયનું કહેવું છે કે આ પુરસ્કાર કોને મળશે એ અંગેનો અંતિમ નિર્ણય એવોર્ડ સમિતિએ લેવાનો છે. સમિતિની બેઠક આગામી થોડા દિવસમાં મળવાની છે.

રમતગમત સચિવ અજિત શરણે કહ્યું કે, ”મંત્રાલયને અખિલ ભારતીય ટેનિસ એસોસિયેશન (એઆઇટીએ) પાસેથી સાનિયાના નામની ભલામણ મોડી મળી હતી, પરંતુ મંત્રાલયે નિયમો અંતર્ગત પોતાના તરફથી સાનિયાના નામની ભલામણ કરી છે. નિયમ અનુસાર જો ખેલાડીનું આવેદન ના મળે તો મંત્રાલય પોતાના તરફથી બે યોગ્ય ખેલાડીઓની ભલામણ કમિટી સમક્ષ કરી શકે છે. આ પુરસ્કારની જાહેરાત માટે કમિટીની બેઠક ટૂંક સમયમાં જ યોજાશે.

સાનિયાએ ગત મહિને માર્ટિના હિંગિસ સાથે મળીને વિમ્બલ્ડન મહિલા ડબલ્સ ખિતાબ જીત્યો હતો. તેની આ ઉપલબ્ધિને આ પુરસ્કાર માટે ધ્યાનમાં નહીં લેવા, પરંતુ એ ઉપરાંત પણ સાનિયાની ઉપલબ્ધિઓ અન્ય ખેલાડીઓ કરતાં ઘણી વધુ છે. સાનિયા ઉપરાંત આ પુરસ્કાર માટે અન્ય દાવેદારોમાં મુખ્યત્વે વિકાસ ગૌડા (એથ્લેટિક્સ), સરદારસિંહ (હોકી), ટિંટુ લૂકા (એથ્લેટિક્સ), દીપિકા પલ્લિકલ (સ્ક્વોશ), દેવેન્દ્ર ઝાંઝરિયા (પેરાલમ્પિક), અભિષેક વર્મા (તીરંદાજી) સામેલ છે.

સાનિયાની મુખ્ય સફળતાઓ

૨૦૦૪માં અર્જુન એવોર્ડ અને ૨૦૦૬માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સાનિયાએ ૨૦૧૪ની ઇંચિયોન એશિયન ગેમ્સમાં સાકેત મનેની સાથે મિક્સ્ડ ડબલ્સ ગોલ્ડ અને પ્રાર્થના ઠોંબરે સાથે મહિલા ડબલ્સ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેણે ગત વર્ષે સોઅરેસ સાથે યુએસ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સ ખિતાબ જીત્યો હતો.

પાછલાં બે વર્ષથી આ પુરસ્કારને લઈને ઘણા વિવાદ થતા રહ્યા છે. ૨૦૧૩માં શૂટર રોંજન સોઢીને આ પુરસ્કાર માટે પસંદ કરાયો હતો, જેનો ડિસ્ક્સ થ્રો એથ્લીટ કૃષ્ણા પુનિયાએ જોરદાર વિરોધ કર્યો હતો. ગત વર્ષે આ પુરસ્કાર માટે કોઈ ખેલાડીને પસંદ કરાયો નહોતો.

You might also like