ખેડૂતોને રૂ. ૨૪૫ કરોડની રાહત આપી

અમદાવાદ : રાજ્યના નાણાં મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ગતિશીલ સરકારે ખેડૂતોના હિતને હંમેશા પ્રાધાન્ય આપીને ખેડૂતોની સમૃદ્ધિ માટે અનેકવિધ પગલાં ભર્યા છે. રાજ્યના જળસંપત્તિ વિભાગે ફરી એક વખત ખેડૂતોના વિશાળ હિતમાં પગલાં ભરીને સિંચાઈ દર વ્યાજ માફી યોજના-૨૦૧૫ જાહેર કરી છે.

પટેલે આ યોજના સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, જળસંપત્તિ વિભાગની વિવિધ સિંચાઈ યોજનાઓ પરથી ખેતીના હેતુ માટે અપાતા સિંચાઈના પાણીના પિયાવાની રકમ ખેડૂતો દ્વારા સમયસર ભરપાઈ નહીં કરી શકવાને કારણે તે પિયાવા ઉપરના વ્યાજની રકમ વધતી જાય છે તેજ રીતે, બિન અધિકૃત રીતે લીધેલ પાણીના પિયાવા ભરપાઈ નહિ કરી શકવાને કારણે તેવા પિયાવા ઉપર નિયમાનુસાર આકારેલ દંડ અને તેના ઉપરના વ્યાજની બાકી રકમ દિન પ્રતિદિન વધતી જાય છે.

આ બાબતે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કરીને ગતિશીલ ગુજરાતના સર્વાંગી વિકાસમાં દરેક ખેડૂતને દેવાથી મુક્ત કરવાનો નિર્ધાર કરીને ખુશહાલ ખેડૂતના ઉમદા અભિગમ સાથે સમગ્ર રાજ્યના ખેડૂતોને આવરી લેતી રૂ. ૨૪૫ કરોડની રાહત સાથેની સિંચાઈ દર વ્યાજ માફી યોજના-૨૦૧૫ જાહેર કરી છે.

આ યોજના અનુસાર આ યોજનામાં માફ કરવાપાત્ર રકમની ગણતરી માટે તા. ૩૧ માર્ચ, ૨૦૧૪ સુધીના હિસાબોને જ ધ્યાને લેવાના રહેશે અન ેઆ યોજના એપ્રિલ-૨૦૧૬માં પૂર્ણ થશે. તા. ૧ એપ્રિલ-૨૦૧૨ની અસરથી પિયાવાના લેણાં તમામ પ્રકારના દરો નિયમાનુસાર નિમિત ભરપાઈ કરવાના રહેશે.

 

આ યોજના અનુસાર સિંચાઈ માટે અપાયેલ તા. ૩૧-૦૩-૨૦૧૨ સુધીની પાણીના સામાન્ય દર મુજબની બાકી રહેતી મુદ્દલ-પિયાવાની સંપૂર્ણ રકમ માફ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સિંચાઈ માટે બિન-અધિકૃત રીતે ઉપાડેલ તા. ૩૧-૩-૨૦૧૨ સુધીની પાણીના પિયાવાની બાકી રહેતી મુદ્દલની સંપૂર્ણ રકમ આઠ માસ સુધીમાં એટલે કે તા. ૩૦-૦૪-૨૦૧૬ સુધીમાં ભરપાઈ કરી આપે તે ખાતેદારની તેવા બિન-અધિકૃત રીતે ઉપાડેલ પાણીના સિંચાઈ દર – પિયાવા ઉપર ચડેલ વ્યાજની સંપૂર્ણ રકમ, દંડનીય રકમ અને તે દંડનીય રકમ પર ચડેલા વ્યાજની સંપૂર્ણ રકમ સાફ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

You might also like