ખુશ કર્મચારી કામને વધુ સારી રીતે પાર પાડી શકેઃ સર્વે  

નવી દિલ્હી, શુક્રવાર

તાજેતરમાં વોર્વિક યુનિવર્સિટીના ત્રણ અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં પ્રકાશમાં આવ્યું છે કે જ્યારે કર્મચારીઓ ખુશ હોય છે ત્યારે તેઓ સારી રીતે કામગીરી કરી શકે છે. નોંધનીય છે કે આ અંગેનો વિગતવાર અહેવાલ લેબર ઈકોનોમિકસની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવનાર છે. આ અંગેના રિસર્ચ દરમિયાન  કર્મચારીઓને કોમેડી મૂવી બતાવવામાં આવી હતી. આ સિવાય કેટલાક કર્મચારીઓને ચોકલેટ, ડ્રીંકસ અને ફ્રૂટ પણ આપવામાં આવ્યા હતા.

કર્મચારીઓ ટેન્શનમાં હોય ત્યારે કઈ રીતની કામગીરી કરી શકે છે તે અંગેની ચકાસણી કરવા માટે કેટલાક કર્મચારીઓને તેઓના પરિવારમાં ઘટેલી દુઃખદ ઘટનાઓ અંગે પણ પૂછવામાં આવ્યું હતું. નોંધનીય છે કે હાલમાં ગૂગલ સહિતની કંપનીઓમાં કર્મચારીઓ સતત ખુશ રહીને કામગીરી કરી શકે તે માટેના ખાસ હેપી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઝોનમાં દરેક કર્મચારીઓ પોતે ઈચ્છે છે તે પ્રકારની મનોરંજનને લગતી પ્રવૃત્તિઓ કરી શકે છે.

આ અંગે કરવામાં આવેલા રિસર્ચમાં પ્રકાશમાં આવ્યું છે કે ખુશ કર્મચારી કામને પણ યોગ્ય રીતે ન્યાય આપીને પાર પાડતો હોવાના પગલે કંપનીને તેના કામનો પણ ઘણો ફાયદો મળે છે. નિષ્ણાતોએ આ બાબતે જણાવ્યું હતું કે આ રિસર્ચના કારણે વિવિધ ક્ંપનીઓને તેઓના કર્મચારીઓ પાસેથી કઈ રીતે સારી રીતે કામ કરાવવું તેનું પણ માર્ગદર્શન મળી રહેશે.

હાલમાં કેટલીક આઈટી કંપનીઓ દ્વારા કર્મચારીઓ સતત ખુશ રહીને કામ કરી શકે તે માટે કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

 

You might also like