ખાંડના ભાવ ઘટતા અટકે તેવી શક્યતા

અમદાવાદઃ કેન્દ્ર સરકાર પાછલા કેટલાક સમયથી શુગર મિલોને થઇ રહેલા આર્થિક નુકસાનમાંથી બહાર લાવવા નિકાસને ફરજિયાત બનાવવાનો કાયદો લાવી શકે છે. સરકારે ખાંડની નિકાસ કરાવડાવીને ખાંડ મિલોને નુકસાનીમાંથી બહાર લાવવા કવાયત હાથ ધરી છે. સ્થાનિક હોલસેલ વેપારીઓના કહેવા પ્રમાણે જો સરકાર દ્વારા આ પ્રકારનું પગલું લેવાય તો ખાંડના ઘટતા જઇ રહેલા ભાવ અટકી શકે છે.આ સપ્તાહમાં જ સરકાર આ પ્રસ્તાવ ઉપર ગંભીરતાથી વિચારણા કરી શકે છે. એક બાજુ સ્થાનિક બજારમાં ઊંચાં ઉત્પાદનને કારણે ખાંડનું ઉત્પાદન ઊંચું છે. પાછલો સ્ટોક પણ ઊંચો જમા પડ્યો છે, જેને કારણે શુગર મિલો ઉપર આર્થિક ભારણ વધી રહ્યું છે. જાણકારોના કહેવા પ્રમાણે સરકાર ખાંડની નિકાસને ફરજિયાત કરવાના નિર્ણયની અમલવારી આગામી એક ઓક્ટોબરથી કરી શકે છે. તો બીજી બાજુ વૈશ્વિક ખાંડના ભાવ પણ સતત તૂટી રહ્યા છે.સ્થાનિક બજારમાં હાલ ખાંડનો ભાવ રૂ. ૨૪થી ૨૬ની વચ્ચે જોવાઇ રહ્યો છે. પાછલાં એક જ વર્ષમાં ખાંડના ભાવમાં રૂ. ૧૫થી ૨૦નો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે આગામી ગણેશ ચતુર્થી તથા બીજા તહેવારની સિઝનમાં ખરીદીએ ખાંડના ભાવને સપોર્ટ મળી શકે છે.
You might also like