ક્રિકેટ જો RTI હેઠળ ના આવતી હોય તો રોહિતને અર્જુન એવોર્ડ શા માટે?

નવી દિલ્હીઃ ફરી એક ક્રિકેટરને રમત પુરસ્કાર આપવા સામે સવાલ ઊઠ્યા છે. કેરળ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ વી. કે. બાલિની અધ્યક્ષતાવાળી સમિતિએ ગઈ કાલે ખેલરત્ન અને અર્જુન એવોર્ડ માટે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અર્જુન એવોર્ડ માટે જેવી ક્રિકેટર રોહિત શર્માના નામ પર ચર્ચા શરૂ થઈ કે તરત જ બાલિએ કહ્યું કે, ”જ્યારે ક્રિકેટ ઓલિમ્પિકની રમત નથી અને બીસીસીઆઇ આરટીઆઇના દાયરામાં આવતી ના હોય ક્રિકેટરને ખેલરત્ન એવોર્ડ શા માટે આપવો જોઈએ? બીસીસીઆઇ રમત મંત્રાલય પાસેથી ગ્રાન્ટ પણ લેતી નથી.” જોકે સમિતિના બાકીના સભ્યોએ કહ્યું કે અત્યાર સુધી ૪૭ ક્રિકેટરને અર્જુન એવોર્ડ મળી ચૂક્યો છે, આથી રોહિત શર્માને પણ મળવો જોઈએ. બહુમતી સભ્યો રોહિતના પક્ષમાં હતા તેથી તેના નામની ભલામણ કરી દેવામાં આવી. જોકે સમિતિના અધ્યક્ષ આ વાતથી નાખુશ દેખાયા હતા.સમિતિમાં સામેલ એક સભ્યએ જણાવ્યું કે ખેલરત્ન માટે વી. કે. બાલિની પસંદ સાનિયાના સ્થાને સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લિકલ હતી. જોકે આ મામલામાં પણ બાકીના સભ્યો બાલિની વિરુદ્ધમાં જણાયા હતા. સમિતિના અન્ય સભ્યો જ નહીં, રમત મંત્રાલય પણ શરૂઆતથી જ સાનિયાને ખેલરત્ન બનાવવા માટે લોબિંગ કરી રહ્યું હતું. વિમ્બલ્ડન જીત્યા પહેલાં સાનિયાનું ખેલરત્ન એવોર્ડ મેળવવા માટે દૂર દૂર સુધી ક્યાંય જોવા કે સાંભળવા મળ્યું નહોતું, પરંતુ જેવો સાનિયાએ વિમ્બલ્ડનનો ડબલ્સ ખિતાબ જીત્યો, રમત મંત્રાલય તરત જ સક્રિય થઈ ગયું હતું.સમિતિમાં સામેલ એક સભ્યએ કહ્યું કે ખેલરત્ન પુરસ્કાર ૨૦૧૪ સુધીના પ્રદર્શન માટે આપવાનાે હતો, જ્યારે સાનિયા આ વર્ષે વિશ્વની નંબર વન ડબલ્સ ખેલાડી બની છે અને આ વર્ષે એટલે કે ૨૦૧૫માં જ તેણે વિમ્બલ્ડન ખિતાબ જીત્યો છે. જો ગત વર્ષની ઇંચિયોન એશિયન ગેમ્સની ઉપલબ્ધિઓને આધાર બનાવીને સાનિયાને ખેલરત્ન આપવો હતો તો પછી રમત મંત્રાલય આ ખેલાડીના વિમ્બલ્ડ ખિતાબ જીત્યા બાદ શા માટે સક્રિય થયું?

You might also like