કોંગ્રેસ પક્ષનો મોદી ફોબિયા પીએમનું કદ વધારી રહ્યો છે

દેશની સમગ્ર જનતા નરેન્દ્ર મોદી સાથે છે. તેનું સમર્થન એક પ્રતિષ્ઠિત અમેરિકી થિંક ટેન્ક દ્વારા હાથ ધરાયેલા અદ્યતન સર્વેક્ષણ દ્વારા મળી ગયું છે. મોદી પ્રત્યે ભારતીયોનો ભરોસો હજુ કાયમ હોવા છતાં કોંગ્રેસ સંસદ અને સંસદની બહાર જે રમત રહી છે તેનાથી મોદીનું કદ વધુને વધુ મોટું થઇ રહ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને વિરોધ પક્ષો સંસદથી સડક સુધી ઘેરવામાં સફળ રહ્યા હોય, પરંતુ મોદી સરકારની લોકપ્રિયતામાં સહેજ પણ ઘટાડો થયો નથી. પ્યુ રિસર્ચ ફાઉન્ડેશનના સર્વે અનુસાર ગત વર્ષે ભાજપની સરકાર રચાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે અને તેમનું રેટિંગ ૮૭ ટકા સુધી પહોંચી ગયું છે. 

આ સર્વેક્ષણ ભારતમાં તા.૬ એપ્રિલથી ૧૯ મે, ૨૦૧૫ વચ્ચે હાથ ધરાયું હતું. આ સર્વેક્ષણમાં ૨૪૫ર લોકોને આવરી લેવાયા હતા. આ સર્વક્ષણનાં પરિણામો અનુસાર મોદીએ પોતાની નીતિ અને શાસન દ્વારા દેશમાં જ માત્ર ભારતીયોનું માન વધાર્યું છે.

પ્યુ રિસર્ચ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે પીએમ મોદીને લઈને દેશમાં વિભાજક રાજકારણ વધ્યું છે. સર્વેની મહત્ત્વની વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મોદી અને ભાજપની લોકપ્રિયતા વધી છે. સર્વે અનુસાર ૧૦માંથી ૬ કોંગ્રેસ સમર્થકોએ શૌચાલય નિર્માણ, બેરોજગારી અને મોંઘવારી ઘટાડા જેવા બાબતે મોદીની પ્રશંસા કરી છે.

દેશના લોકોને ગુજરાતના આયના દ્વારા નરેન્દ્ર મોદીમાં વિકાસ પુરુષનાં દર્શન થઇ રહ્યાં છે. તેમણે પ્રચંડ બહુમતીથી સરકાર રચી હતી. ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો હતો કે લોકોને કોંગ્રેસની નફરત થઇ ગઇ હતી. લોકોએ યુપીએ સરકારને ધરાશાયી કરવાનો નિર્ણય કરી લીધો હતો. તેઓ કોઇ પણ સંજોગોમાં પરિવર્તન ઇચ્છતા હતા.

મોદી સરકારની રચનાનો અર્થ હતો દેશનો વિકાસ. આપણા દેશમાં લોકશાહી છે અને તેનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસ દુશ્મનીના સ્તરે મોદીનો વિરોધ એટલા માટે કરી રહી છે કે કયાંક મોદી દેશનો વિકાસ કરવામાં સફળ ન રહે. કોંગ્રેસે મોદી સરકારને એટલો પણ સમય આપવાનું મુનાસીબ માન્યું નહીં કે દેશની વર્તમાન કફોડી આર્થિક ‌િસ્થતિ પાટા પર લાવતાં મોદીને સમય લાગશે. તેના બદલે કોંગ્રેસે મોદીના ડરથી તેમનો નકારાત્મક પ્રચાર ચાલુ કરી દીધો. મોદી ફોબિયાથી પીડિત કોંગ્રેસે સમજવું જોઇએ કે પોતે અડધી સદી કરતાં વધુ સમયના શાસન દરમિયાન જે ખાડા અને ગાબડાં પાડયાં હતાં તેને ઠીક કરતાં મોદીને થોડો સમય લાગશે.

દરમિયાન મોદી સરકારે પોતાના ટુંકા કાર્યકાળ દરમિયાન ગરીબોના વિકાસ માટે એવી યોજનાઓ બનાવી છે જેના પરિણામો આવતાં બે-ત્રણ વર્ષ લાગી શકે છે. ગરીબો માટે જન ધન યોજના હોય કે માત્ર ૧ર રૂપિયામાં બે લાખ રૂપિયાની વડા પ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના હોય.

એ જ રીતે અટલ પેન્શન યોજના સાથે અનેક યોજનાઓનો ઉલ્લેખ થઇ શકે છે. પેન્શન કદાચ આજે નહીં મળે, પરંતુ જ્યારે મળશે ત્યારે સમજાશે કે આ યોજના કેટલી સારી હતી. આમ મોદીએ ગરીબોનાં હિત માટે દુરોગામી યોજનાઓ જાહેર કરી છે. જો મોદી ઇચ્છતા તો પ્રજાના જ પૈસે સબસિડી આપીને લોકોની વાહ વાહ લૂંટી શકયા હોત, પરંતુ જો મોદીએ આવું કર્યું હોત તો તેેનાથી દેશ ખોખલો થઇ જાત અને વિકાસ માટેનો નક્કર પાયો પ્રસ્થાપિત ન થાત.

કોંગ્રેસે સૌથી મોટું દેશનું અહિત સંસદીય કાર્યવાહી સતત  ખોરવીને કર્યું છે. કોંગ્રેસને એ વાતનો ડર છે કે મોદી કયાંક ખરેખર સફળ ન થઇ જાય અને તેથી કોંગ્રેસે મોદીને કોઇ પણ સંજોગોમાં વિકાસની દિશામાં સફળ નહીં થવા દેવાનો નિર્ણય કર્યો છે અને કોંગ્રેસના આ નકારાત્મક વલણથી મોદીનું કદ ઊલટાનું વધી રહ્યુ છે. 

 

You might also like