કેપ્ટન ધોનીએ હવે ક્રિકેટને અલવિદા કહી દેવું જોઈએ?

અમદાવાદઃ એક સમયે ટીમ ઇન્ડિયાના સૌથી શાનદાર મેચ ફિનિશર કહેવાતાે મહેન્દ્રસિંહ ધોની ગઈ કાલે કાનપુર ખાતે એવા સમયે આઉટ થઈ ગયો, જ્યારે કરોડો ચાહકોને લાગી રહ્યું હતું કે ધોનીના છગ્ગાની સાથે ટીમ ઇન્ડિયા મેચ જીતી લેશે. અંતિમ ઓવરમાં ધોનીના આઉટ થતાંની સાથે જ ભારત જીતેલી મેચ હારી ગયું. ૨૦૧૫માં સતત હારી રહેલો ધોની દક્ષિણ આફ્રિકાની સામેની પહેલી પરીક્ષામાં પણ નાપાસ થયો. એવામાં હવે સવાલ ઊઠી રહ્યા છે કે શું ધોનીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ?દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કાનપુર વન ડે ભારત આસાનીથી જીતી શકે તેમ હતું. ૩૦૪ રનના લક્ષ્યનો પીછો કરતા રોહિત શર્માની ૧૫૦ રનની ઇનિંગ્સે ભારતને જીતની તદ્દન નજીક પહોંચાડી દીધું હતું. રોહિત જ્યારે આઉટ થયો ત્યારે ભારતને ૨૩ બોલમાં ૩૫ રન બનાવવાના હતા અને તેની છ વિકેટ અકબંધ હતી. મેચ અંતિમ ઓવર સુધી ખેંચાઈ. ભારતને છ બોલમાં ૧૧ રનની જરૂર હતી, પરંતુ ધોનીના એક ખરાબ શોટે ટીમ ઇન્ડિયાને ડુબાડી દીધી.ઉલ્લેખનીય છે કે ભારતને ઘણી મોટી ટૂર્નામેન્ટોમાં જીત અપાવનારો ધોની ૨૦૧૫માં કોઈ વન ડે ટૂર્નામેન્ટ જીતી શક્યો નથી. વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય શ્રેણીમાં હાર્યો. ત્યાર બાદ વિશ્વકપની સેમિફાઇનલમાંથી ટીમ બહાર ફેંકાઈ. પછી પ્રમાણમાં નબળી મનાતી બાંગ્લાદેશની ટીમ સામે પણ ભારતનો પરાજય થયો. એક તરફ ધોનીની કેપ્ટનશિપ પ્લોપ રહી તો બીજી તરફ તેની બેટે પણ નિરાશ કર્યા છે. આ વર્ષે ૧૬ વન ડેમાં ધોનીના બેટમાંથી ફક્ત ૪૫૯ રન જ નીકળ્યા છે.કેપ્ટનશિપમાં સતત પરાજય થઈ રહ્યો છે, બેટમાંથી રન નથી નીકળી રહ્યા, હવે ધોનીની કેપ્ટનશિપ પર તલવાર લટકી રહી છે. આ સ્થિતિ પરથી શું એવું નથી લાગતું કે ધોનીએ ક્રિકેટને અલવિદા કહી દેવું જોઈએ? ગઈ કાલે પણ ધોનીએ મેચ પૂરી થયા બાદ ન સમજાય તેવું બહાનું કાઢતાં કહ્યું હતું કે અશ્વિન ઈજાગ્રસ્ત થયો તે વાત ભારતને ભારે પડી ગઈ. શું ટીમ ઇન્ડિયામાં અશ્વિન એકમાત્ર બોલર છે, જેના ઈજાગ્રસ્ત થવાથી ભારત મેચ હારી જાય? અંતિમ ઓવરોમાં ફાસ્ટ બોલર્સ બોલિંગ કરી રહ્યા હતા અને તેમણે લાઇન-લેન્થ વગરની બોલિંગ કરીને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને છૂટથી રમવા દીધા. અશ્વિન સિવાય પણ ભારતીય ટીમમાં અન્ય બોલર્સ છે જ. ધોનીનું એ સ્ટેટમેન્ટ કોઈના મગજમાં ઊતરે એવું નહોતું.
You might also like