કેન્દ્ર અનામતના મુદ્દે જાગશે નહીં તો સ્થિતિ સ્ફોટક બનશે

ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામતની માગણીના મુદ્દે સમગ્ર રાજ્યમાં ભડકી ઊઠેલી હિંસાને પગલે અનામતનો મામલો ફરી એક વાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. સ્વતંત્રતા મળ્યા બાદ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને સામાજિક-આર્થિક રીતે મુખ્ય ધારામાં લાવવા માટે તેમને દસ વર્ષ માટે સરકારી નોકરીઓમાં અનામત આપવામાં આવી હતી. પાછળથી દસ વર્ષથી આ સમયમર્યાદા સતત વધારવામાં આવી છે. સમયમર્યાદા વધારતી વખતે સંબંધિત વર્ગોને અનામતનો સંપૂર્ણ લાભ યોગ્ય રીતે મળે છે કે નહીં તે બાબત ચકાસવામાં આવી નથી.

૧૯૯૦માં વી.પી.સિંહ સરકારે રાજકીય પડકારોનો સામનો કરવા માટે મંડલ પંચની ભલામણોનો આશરો લીધો હતો. તેમની સરકારે સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગોને પણ અનામતનો લાભ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનામતનું રાજકારણ રાજકીય પક્ષો માટે એક હથિયાર બની ગયું છે. થોડા સમય બાદ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત લાગુ પાડવામાં આવતાં અનામતની માગણી કરનાર જ્ઞાતિઓની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતના પટેલ સમુદાય પણ હવે અનામતની માગણી કરી રહ્યો છે.

ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનું કહેવું છે કે કાં તો અનામતને નાબૂદ કરો અથવા પાટીદારોને અનામત આપો. પટેલ સમુદાય તમામ રીતે સાધન સંપન્ન છે એવી દલીલ હાર્દિકે ફગાવી દીધી હતી. આજકાલ અનામતને એક મૂળભૂત અધિકાર તરીકે જોવામાં આવે છે. અનામત સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગોને મુુખ્ય પ્રવાહમાં લાવવાની વ્યવસ્થા છે એ વાત હવે ભૂલાઇ ગઇ છે. સરકારી નોકરીઓની સંખ્યા મર્યાદિત હોવા છતાં અનામતની માગણી સતત વધી રહી છે. એટલું જ નહીં સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં પણ અનામતની માગણી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પ્રમોશનમાં અનામત અને તેના પરિણામરૂપે સિનિયોરિટીના કાયદા અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે પ્રમોશનમાં આરક્ષણ એ મૂળભૂત અધિકાર નથી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સિનિયોરિટી કર્મચારીની કામગીરીમાં મહત્ત્વની વાત હોય છે. સિનિયોરિટીનો સિદ્ધાંત તર્કસંગત અને તટસ્થ હોવો જોઇએ. અનામત પ્રાપ્ત કરવી એ મૂળભૂત અધિકાર નથી, પરંતુ એક સકારાત્મક જોગવાઇ છે. જો સરકારને એવું લાગે કે કોઇ વર્ગનું યોગ્ય પ્રતિનિધિત્વ નથી તો તે આરક્ષણની જોગવાઇ કરી શકે છે, પરંતુ આરક્ષણથી પ્રમોશન મળવા પર  આપોઆપ સિનિયોરિટી મળી જતી નથી. જો સરકારી નીતિ અને કાયદામાં તેની જોગવાઇ ન હોય તો અનામતથી પ્રમોશન મેળવનારને આપોઆપ સિનિયોરિટી પ્રાપ્ત થશે નહીં.

ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુર અને ન્યાયમૂર્તિ આર. ભાનુમતીની બનેલી બેન્ચે એસસી-એસટીને પ્રમોશનમાં આરક્ષણ અને તેના પરિણામરૂપ સિનિયોરિટીના કેસમાં મદ્રાસ હાઇકોર્ટનો આદેશ રદ બાતલ ઠરાવીને તામિલનાડુ સરકારને ચાર મહિનાની અંદર કેચઅપ રૂલ અમલી બનાવીને આસિ.ડિવિઝનલ એન્જિનિયર્સનું ‌સિનિયોરિટી લિસ્ટ ફરીથી તૈયાર કરવા આદેશ કર્યો હતો.

ગુજરાતના પટેલ સમુદાય જેવી ‌સ્થિતિ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના જાટ સમુદાયની પણ છે. યુપીએ સરકારે રાજકીય લાભ ખાટવાના ચક્કરમાં ગત સામાન્ય ચૂંટણી પૂર્વે જાટ સમુદાયને અનામત મંજૂર કરી દીધી હતી, પરંતુ થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ત્યાર બાદ જાટ નેતાઓ પણ અનામતની માગણી માટે આંદોલન ચલાવી રહ્યા છે. જોકે અનામત મેળવવા માટે કેટલાક આધાર હોય છે અને તેમાં સૌથી મહત્ત્વનો માપદંડ સામાજિક પછાતતાનો છે. 

આમ છતાં એક પછી એક જ્ઞાતિઓ આ હકીકત જાણતી હોવા છતાં અનામતની માગણી કરી રહી છે. તેમણે સમજવું જોઇએ કે અનામતની મર્યાદા પ૦ ટકાથી વધુ હોઇ શકે નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા જ આ મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. 

આ સંજોગોમાં હવે કેન્દ્ર સરકારના સ્તરે અનામતની નીતિ પર નવેસરથી પુનઃ વિચારણા કરવાની આવશ્યકતા જ નહીં બદલે અનિવાર્યતા છે. ગુજરાતમાં અનામતના મામલે જે મોટા પાયે હિંસા થઇ અને સરકારી માલ-મિલકતોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે તે જોતાં હવે કેન્દ્ર સરકારે જાગવાની જરૂર છે. જો કેન્દ્ર સરકાર આ બાબતે નિષ્ક્રિય રહેશે તો અનામતની આક્રમકતાના કારણે સમાજમાં વર્ગ વિગ્રહ ભડકી ઊઠશે અને સામાજિક સમરસતાને પણ જંગી નુકસાન પહોંચશે.

You might also like