કેન્દ્રની પીછેહઠઃ વોટ્સએપના મેસેજ ત્રણ મહિના સ્ટોર કરવા નહીં પડે

નવી દિલ્હીઃ વોટ્સએપ, એસએમએસ, સ્નેપચેટ અને હેન્ગઆઉટ જેવા ઈન્ટરનેટ બેઝ્ડ કોમ્યુનિકેશન દ્વારા ઈન્ક્રિપ્ટેડ મેસેજ ડિલિટ કરવાનું કૃત્ય ગેરકાયદેસર ગણવાના સમાચારોના પગલે ઊભા થયેલા અહેવાલો બાદ સરકારે પીછેહઠ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ઈન્ક્રિપ્શન પોલિસીમાં સોશિયલ મીડિયા, વેબસાઈટ્સ અને એપ્સનો સમાવેશ કરવામાં આવશે નહીં અને વોટ્સએપ જેવા એપ્સ અને વેબસાઈટ પર વોચ રાખવામાં આવશે નહીં કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. 

વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર ઈન્ક્રિપ્શન પ્રોડક્સની કેટલીક શ્રેણીઓને રાષ્ટ્રીય ઈન્ક્રિપ્શન પોલિસીના ડ્રાફ્ટમાં છૂટછાટ આપવામાં આવી છે.

ટેલિકોમ મંત્રાલયના પ્રવકતા એનએન કૌલેએ જણાવ્યું હતું કે સામાન્ય યુઝર્સને વોટ્સએપ અને એસએમએસ જેવા ઈન્ક્રિપ્ટ ડેટા ૯૦ દિવસ સુધી સ્ટોર કરવા માટે ફરજ પાડવામાં આવશે નહીં. ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે પણ સ્પષ્ટતા કરી છે કે આ જવાબદારી માત્ર ઈન્ટરનેટ બેઝ્ડ મેસેજિંગ સર્વિસ આપનારી કંપનીઓની રહેશે. આ અંગે કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી. સરકાર તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડ્રાફ્ટ પોલિસીમાં સોશિયલ મીડિયા સાઈટ્સ અને મેસેજિંગ એપ્સને છૂટછાટ આપવામાં આવી છે.

વિભાગની વેબસાઈટ્સ પર એક પરિશિષ્ટમાં જણાવાયું છે કે વર્તમાન સમયમાં વેબ એપ્લિકેશન, સોશિયલ મીડિયા સાઈટ અને સોશિયલ મીડિયા એપ્સ જેવા કે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર વગેરેને રાષ્ટ્રીય ઈન્ક્રિપ્શન પોલિસીમાં છૂટછાટ મળશે. ઈન્ટરનેટ બેન્કિંગ અને પેમેન્ટ ગેટવે ઉપરાંત ઈ-કોમર્સ અને પાસવર્ડ આધારિત ટ્રાન્ઝેકશનમાં ઉપયોગમાં લેવાતી ઈન્ક્રિપ્શન પ્રોડક્ટને પણ આ નીતીમાં છૂટછાટ આપવામાં આવશે.

You might also like