કેજરીવાલે સોમનાથ ભારતીને સરેન્ડર કરવાની સલાહ અાપી

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ કાયદાપ્રધાન અને અામ અાદમી પાર્ટીના વિધાનસભ્ય સોમનાથ ભારતી હાઈકોર્ટ દ્વારા અાગોતરા જામીનની અરજી રદ કરવામાં અાવ્યા બાદ ગાયબ થઈ ગયા છે. દિલ્હી પોલીસ તેમને શોધી રહી છે. અામ, સોમનાથ ભારતી જ્યારે પોલીસથી બચવા ભાગતા ફરી રહ્યા છે ત્યારે અામ અાદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમનાથ ભારતીને સરેન્ડર કરવા સલાહ અાપી છે.

કેજરીવાલે સોમનાથ ભારતીને પોલીસના શરણે થઈ જવાની સલાહ અાપતાં ‌ટ્વિટર ઉપર લખ્યું છે કે તેઅો હવે પક્ષ માટે શ‌ર્મિંદગીનું કારણ બની રહ્યા છે. અાજે સવારે કેજરીવાલે અા અંગે ‌ટ્વિટ કરતાં લખ્યું હતું કે સોમનાથે હવે સરેન્ડર કરી લેવું જોઈઅે. તેઅો શા માટે ભાગી રહ્યા છે? તેઅો જેલ જતાં કેમ ડરી રહ્યા છે. હવે તેઅો પક્ષ અને પોતાના પરિવાર માટે શ‌િર્મંદગીનું કારણ બની રહ્યા છે. તેમણે પોલીસને સહકાર અાપવો જોઈઅે.

કેજરીવાલના અા ટ્વિટ પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અામ અાદમી પાર્ટી હવે સોમનાથ ભારતીના ઘરેલુ અને અંગત કેસથી વિમુખ છે અને અા સંજોગોમાં સોમનાથ ભારતી માટે મુશ્કેલીઅો વધી શકે છે. અા અગાઉ મંગળવારે દિલ્હી હાઈકોર્ટે સોમનાથ ભારતીની અાગોતરા જામીનઅરજી ફગાવી દઈને તેમને જોરદાર ફટકો અાપ્યો હતો. તેમની અાગોતરા જામીનઅરજી ફગાવી દેતાં હવે તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. 

મંગળવારે દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ પોલીસ જ્યારે સોમનાથ ભારતીની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી ત્યારે તેઅો તેમના ઘર અને અોફિસથી ગાયબ થઈ ગયા હતા. દ્વારકા પોલીસે સોમનાથ અંગે તેમનાં ભાઈ-બહેન અને બે સંબંધીઅોની પૂછપરછ કરી હતી.

You might also like