કેજરીવાલે ફરી કાયદા મંત્રી બદલ્યા : સિસોદીયાને સોંપાઇ જવાબદારી

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતનાં મંત્રી મંડળમાં ફરી એકવાર ફેરફાર કર્યો છે. કેજરીવાલની સરકાર આવી ત્યારથી અત્યાર સુધીમાં ત્રીજી વખત તેમણે કાયદા મંત્રીને ફેરવ્યા છે. કેજરીવાલે કપિલ મિશ્રા પાસેથી કાયદા મંત્રાલય આંચકી લઇને ડેપ્યુટી સી.એમ મનિષ સિસોદીયાને સોંપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ તેમની વધારાની જવાબદારી રહેશે. જો કે કપિલ મિશ્રા સામે કેજરીવાલને કયા મુદ્દે અસંતોષ હતો જેથી આ પગલુ ભરાયું આ અંગે હજી સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. કાયદા મંત્રાલય છીનવાઇ જતા હવે કપિલ મિશ્રા પાસે હવે પર્યટન, કલા અને સંસ્કૃતિ, ભાષા, ગુરૂદ્વારા ચુંટણી અને જળ મંત્રાલય બાકી રહ્યા છે. 

કરાવલ નગરમાંથી આપનાં ધારાસભ્ય કપિલ મિશ્રા આ વર્ષે જુનમાં કાયદા મંત્રી બન્યા હતા. નકલી ડિગ્રીઓનાં આરોપનાં કારણે તત્કાલીન કાયદા મંત્રી જિતેન્દ્ર સિંહ તોમરની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને કપિલ મિશ્રાને આ મંત્રાલય સોંપાયું હતું. 

હવે મનિષ સિસોદીયા પાસે કાયદા મંત્રાલય પણ આવી જતા તેમની પાસે કુલ 12 વિભાગ થઇ ગયા છે. સિસોદીયા પાસે શિક્ષણ, નાણા, યોજના, શહેરી વિકાસ, રેવેન્યૂ, વિજિલન્સ, સર્વિસ જેવા મુખ્ય વિભાગો તો હતા જ હવે કાયદા મંત્રાલયની વધારાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે. 

You might also like