કુસ્તી ટીમનો કોચ અહીં છે ને ટીમ લાસવેગાસ પહોંચી

નવી દિલ્હીઃ અમેરિકાના લાસવેગાસમાં તા. ૭થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગયેલી ભારતીય કુસ્તી ટીમની સમસ્યા ખતમ થવાનું નામ લેતી નથી. ટીમને ૨૬ ઓગસ્ટથી છ સપ્ટેમ્બર સુધી લાસ વેગાસમાં ટ્રેનિંગ લેવાની છે, પરંતુ હજુ સુધી તેના મુખ્ય કોચ લાસવેગાસ ત્યાં પહોંચી શક્યા નથી. આ અગાઉ પહેલવાનોની ટીમને પણ અમેરિકા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પહેલા વિઝા સમસ્યાને કારણે ૧૨ સભ્યોની રવાનગી એક દિવસ પાછી ઠેલાઈ હતી. ત્યાર બાદ મહિલા પહેલવાન સરિતા અને પુરુષ ટીમના મુખ્ય કોચ કુલદીપને પણ વિઝા મળ્યા નહીં. ટીમના બધા સભ્યોએ ૨૬ ઓગસ્ટે લાસવેગાસ પહોંચવાનું હતું, પરંતુ ટીમના ૧૨ સભ્યો ૨૬ ઓગસ્ટે અહીંથી રવાના થઈ શક્યા, જ્યારે મુખ્ય કોચ કુલદીપ અને મહિલા પહેલવાન સરિતાના વિઝા સંબંધી ઔપચારિકતાઓ ગઈ કાલે પૂરી થઈ.ભારતીય કુસ્તી મહાસંઘે આગામી વર્ષે રિયો ડિ જાનેરોમાં યોજાનાર ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ આ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા માટે ભારતીય પહેલવાનોની ટ્રેનિંગની વ્યવસ્થા અમેરિકામાં કરી હતી. આમાં પુરુષ ટીમની ટ્રેનિંગ મુખ્યત્વે કોચ કુલદીપ પર જ નિર્ભર હતી. મુખ્ય કોચ કુલદીપે કહ્યું કે અમારે ૨૬ ઓગસ્ટથી જ વેગાસમાં ટ્રેનિંગ શરૂ કરી દેવાની હતી. મને અમેરિકન દૂતાવાસે ગઈ કાલે સાંજે વિઝા આપ્યા.
You might also like