કુરિયર વાનના ડ્રાઈવરની હત્યા કરોડોની કિંમતના સોનાની લૂંટ

ઉન્નાવ: અત્રે લખનૌ-કાનપુર ધોરીમાર્ગ પર અજાણ્યા સશસ્ત્ર શખ્સોએ હુમલો કરીને એક કુરિયર વાનના ડ્રાઈવરની હત્યા કરી હતી તથા સુરક્ષાકર્મીને ઘાયલ કરીને વાનમાંથી કરોડો રૃપિયાની કિંમતનું સોનું લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે અમદાવાદની સિક્વલ લોજિસ્ટિક પ્રા.લિ.ની વાન લખનૌ જઈ રહી હતી ત્યારે એક કારમાં આવેલા આ હુમલાખોરોએ તેને સોહરામાઉ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બાઝેરા ગામ નજીક એફઆઈ મેડિકલ અને રિસર્ચ સેન્ટર પાસે આંતરી હતી.પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા તેમણે ડ્રાઈવર હરિચંદ યાદવ અને સુરક્ષા કર્મીને ગોળી મારી હતી અને નાસી છૂટતા પહેલા ૭ કિલોથી વધુના સોનાના બિસ્કીટ અને ઘરેણાં લૂંટી લીધા હતા. વાનમાં રહેલો અન્ય માણસ તેનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો  અને તેણે પોલીસને આ ઘટનાની જાણ કરી હતા. ડ્રાઈવર અને ગાર્ડને નવાબગંજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવાયા હતા, જ્યાં ડ્રાઈવરને મૃત્યુ પામેલો જાહેર કરાયો હતો અને ગાર્ડને વધુ સારવાર માટે ગંભીર હાલતમાં લખનૌ ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યો હતો. કુરિયર કંપનીની ફરિયાદને આધારે સોનાના બિસ્કીટ, ઘરેણાંના સ્વરૃપમાં ૭ કિલોથી વધુ સોનાની, એક મોબાઈલ ફોન અને ત્રણ એટીએમ કાર્ડની લૂંટ માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
 
You might also like