કિંગ્સ ઈલેવન પંજાબના કેટલાક ખેલાડી મેચ ફિક્સિંગમાં સામેલ હતા

નવી દિલ્હીઃ આઇપીએલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઈલેવન પંજાબની સહમાલિક પ્રીતિ ઝિન્ટાએ મેચ ફિક્સિંગના સૂતેલા સાપને ઢંઢોળ્યો છે. પ્રીતિને શંકા છે કે તેના કેટલાક ખેલાડી મેચ હારવા સાથે જોડાયેલી કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ હતા. પ્રીતિએ આ મહિને બીસીસીઆઇના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ વાત કબૂલી છે. એક અંગ્રેજી અખબારે આવો દાવો કર્યો છે.અખબારના છપાયેલા અહેવાલ અનુસાર પ્રીતિ ઝિન્ટા અને આઇપીએલ વર્કિંગ ગ્રૂપની બેઠક ગત આઠ ઓગસ્ટે યોજાઈ હતી, જેમાં પ્રીતિએ અધિકારીઓને જણાવ્યું હતું કે તેણે આવી શંકાસ્પદ ગતિવિધિઓને બહુ નજીકથી અનુભવી હતી. તે આની વિરુદ્ધ બોલવા ઇચ્છતી હતી, પરંતુ તેની પાસે કોઈ સચોટ પુરાવા નહોતા. પ્રીતિના જણાવ્યા અનુસાર કેટલીક વાર એવું અનુભવ્યું હતું કે તેની ટીમ સાથે જોડાયેલી કેટલીક મેચનાં પરિણામ અગાઉથી જ નક્કી થઈ ગયાં હતાં.પ્રીતિ ઝિન્ટાએ અધિકારીઓને જણાવ્યું કે તેને આ શંકાસ્પદ ગતિવિધિઓની જાણ ત્યારે થઈ, જ્યારે લોકો કોઈ મેચના પરિણામ અંગે ઘણા પહેલાંથી જ સચોટ અંદાજ લગાવવા માંડ્યા હતા. ઝિન્ટાએ કહ્યું કે તે મનોવિજ્ઞાનની સ્ટુન્ડન્ટ રહી ચૂકી છે અને તે ખેલાડીઓની બોડી લેન્ગ્વેજ અને દિમાગને વાંચી શકે છે.  પ્રીતિના કહેવા અનુસાર તેણે ખેલાડીઓને ઓળખી કાઢ્યા, જેઓ ઇમાનદારીથી નહોતા રમતા. એવા ખેલાડીઓને ડ્રોપ કરવામાં આવ્યા અને ફરીથી હરાજી માટે તેનાં નામ પણ મોકલી અપાયાં. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રીતિ ઝિન્ટાની એક ખેલાડી સાથે આ મામલે ગરમાગરમ ચર્ચા પણ થઈ હતી. બાદમાં પ્રીતિએ અન્ય ફ્રેન્ચાઇઝીઓને એ ખેલાડીઓનાં નામ પણ જણાવ્યાં હતાં, જેના પર પ્રીતિને શક હતો.એ મિટિંગમાં આઇપીએલ સાથે જોડાયેલા લોકો ઉપરાંત આઇપીએલ વર્કિંગ ગ્રૂપના મેમ્બર અને ચેરમેન રાજીવ શુક્લા, બીસીસીઆઇ સેક્રેટરી અનુરાગ ઠાકુર, બીસીસીઆઇના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરી અને ટીમ ઇન્ડિયાનાે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ હાજર હતો. બીસીસીઆઇએ ૨૧ જુલાઈએ આ ગ્રૂપની રચના કરી હતી. આ ગ્રૂપનો હેતુ આઇપીએલમાં ભ્રષ્ટાચાર અંગે લોઢા કમિટીના નિર્ણય અનુસાર આઇપીએલની નવમી સિઝનનો રોડમેપ તૈયાર કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે લોઢા કમિટીના અહેવાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
 
You might also like