કાશ્મીર મુદ્દો હોય તો જ ભારત સાથે વાટાઘાટો : સરતાજ અજીજ

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે જણાવ્યું હતું કે એજન્ડામાં કાશ્મીરનો મુદ્દો હશે તો જ પાકિસ્તાન ભારત સાથે વાટાઘાટો કરશે. તેમણે કહ્યું કે કાશ્મીર સહિતના તમામ પડતર મુદ્દા માટે બંન્ને દેશોએ વાટાઘાટો યોજવી જોઈએ તેવા પાકિસ્તાનના વલણને પણ સમગ્ર દુનિયાએ સમર્થન આપ્યું છે. અજીજે ભારતનો વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં હોવાના ભારતના આક્ષેપને નકારી કાઢ્યો હતો.

અજીજે ભારતને ચેતવણી આપી હતી કે તે દાઉદ અથવા હાફિઝ સઈદને પકડવા માટે કોઈ ગુપ્ત ઓપરેશનની વાત વિચારે નહીં. તેનું ગંભીર પરિણામ આવી શકે.તેમણે કહ્યું કે કોઈ પણ પાકિસ્તાનની અંદર આવીને હુમલો કરવાનું વિચારશે તો તેનો જડબાતોડ જવાબ અપાશે. તેમણે ઉમેર્યું કે ભારત તરફથી મળતી ધમકીઓથી પાકિસ્તાન કોઈ દબાણમાં આવશે નહીં.

ભારત દ્વારા કોઈ હુમલો થશે તો તેનો તરત જ જવાબ અપાશે. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમના દેશમાં પાકિસ્તાન વિરોધી સૂત્રોના આધારે ચૂંટણી લડ્યા અને હવે તેઓ આ દેશ સાથે વાટાઘાટોમાં પોતાની શરતો રાખવા માગે છે, જેનો પાકિસ્તાન ક્યારેય સ્વીકાર કરશે નહીં. અમે અમારા આ વલણથી ભારતને વાકેફ કરી દીધું છે, અજીજે જણાવ્યું હતું કે પાકિસ્તાનના રેન્જરોના વડા અને ભારતના સીમા સુરક્ષા દળના કમાન્ડર વચ્ચે નવી દિલ્હીમાં બુધવારથી વાટાઘાટો યોજાશે. તેમણે ઉમેર્યું કે આ બેઠકનો ઉદ્દેશ અંકુશ રેખા સમાંતરે તંગદિલીનો અંત લાવવાનો છે.

અજીજે સ્પષ્ટતા કરી હતી કે બેઠકમાં ૨૦૦૩ના સંઘર્ષવિરામ કરારના અમલનો મુદ્દો ઉઠાવવામાં આવશે. તેમણે ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે પહેલા દિવસથી જ ભારત સરકારની નીતિ પાકિસ્તાન વિરોધી રહી છે.  તેમણે જાહેરાત કરી હતી કે દેશમાં ભારતની દખલગીરીની બાબતે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રને એક ડોઝિયર સુપરત કરશે.  

You might also like