કાશ્મીર કદી પાકિસ્તાનનો હિસ્સો નહીં બને : ફારુક

લંડન : નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો બનશે નહીં. તેમણે ઉમેર્યું કે, આગળ વધવા માટે બંને દેશો માટે વાટાઘાટો જ સૌથી સારો ઉપાય છે. અબ્દુલ્લાએ સ્વીકાર્યું હતું કે જ્યાં સુધી ભારત અને પાકિસ્તાનની વાત છે તો કાશ્મીર એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે.

રૉના પૂર્વ વડાએ એસ દુલાત સાથે ‘કન્વર્ઝેશન ઓન જમ્મુ એન્ડ કાશ્મીર’ વિષય પર એક કાર્યક્રમમાં અબ્દુલ્લાએ કહ્યું કે યુદ્ધનું જોખમ અથવા અણુ બોંબના ઉપયોગથી અથવા અમારી પાસે અણુશસ્ત્ર છે એવું કહેવાથી સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં.

પાકિસ્તાનને સ્પષ્ટ જવાબમાં ફારુકે જણાવ્યું કે ભલેને તે (પાકિસ્તાન) ગમે તેટલાં પ્રયત્નો કરે, કાશ્મીર તેમને મળવાનું નથી. એ થવાનું જ નથી તો પછી શા માટે કારણ વિના મુશ્કેલી વધારવી. ફારુકે કહ્યું કે પાકિસ્તાની સૈન્ય આપણા પર બોંબ ફેંકે અને આપણે તેમના પર બોંબ ફેંકીએ તેમાં નિર્દોષ લોકો મરી જાય છે. આવું ૬૫ વર્ષથી થઈ રહ્યું છે. હવે તે બંધ કરી દેવું જોઈએ.

ફારુક અબ્દુલ્લા જે સભાને સંબોધન કરી રહ્યાં હતાં ત્યાં પાકિસ્તાની પત્રકારો પણ હાજર હતા. અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે નવાઝ શરીફ ભલે પાકિસ્તાનના વડાપ્રધાન છે પરંતુ વાસ્તવિક શાસક તો પાકિસ્તાની સેના છે. જ્યાં સુધી શરીફ સેનાના વડાને અંકુશમાં નહીં રાખે ત્યાં સુધી બંને દેશો વચ્ચેની વાટાઘાટો આગળ વધે તેવું મને લાગતું નથી.

 

રૉના પૂર્વ વડા દુલાતે દાવો કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પરવેઝ મુશર્રફના શાસનકાળ દરમ્યાન કાશ્મીર મુદ્દે સમજૂતી કરવાની એક સોનેરી તક ગુમાવી દીધી હતી.

You might also like