કાશ્મીરીઓની આટલી બધી ચિંતા હોય તો શરીફ PoK તાત્કાલિક ખાલી કરેઃ ભારત

ન્યૂયોર્કઃ પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનને ત્રાસવાદના સૌથી મોટા સ્પોન્સરર ગણાવીને ભારતે પાકિસ્તાનને તેના કબજા હેઠળના કાશ્મીરને તત્કાળ ખાલી કરવા જણાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૂપે આ અંગે શ્રેણીબદ્ધ ટ્વિટ કર્યા છે.

માહિતગાર સૂત્રોનું કહેવું છે કે ભારત સરકારે કેટલાય દાયકાઓ બાદ પાકિસ્તાન સામે આવી ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. ભારતે આવું કડક વલણ એવા સમયે અખત્યાર કર્યું છે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે સંયુકત રાષ્ટ્રસંઘમાં કાશ્મીરને લઇને પોતાનો જૂનો પુરાણો રાગ આલાવ્યો હતો.

સંયુકત રાષ્ટ્રસંઘમાં નવાઝ શરીફે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્વયં ત્રાસવાદ પીડિત છે. કાશ્મીર અને સિયાચીનમાંથી લશ્કર હટાવવાની જરૂર છે અને કાશ્મીરના લોકોને તેમનો અધિકાર આપવાની જરૂર છે. તેના જવાબમાં ભારતે જણાવ્યું છે કે કાશ્મીરમાં લશ્કર હટાવવાની જરૂર નથી, પરંતુ પાકિસ્તાને પોતાના હસ્તકના કાશ્મીરને ખાલી કરીને ત્યાંથી હટી જવાની જરૂર છે.

સ્વરૂપે જણાવ્યું હતું કે પાકિસ્તાની વડા પ્રધાન વિદેશી કબજાની વાત કરી રહ્યા છે. અમે પાકિસ્તાનને પાક. હસ્તકનું કાશ્મીર જલદીમાં જલદી ખાલી કરવા જણાવીએ છે. સ્વરૂપે જણાવ્યું હતું કે કાશ્મીરમાંથી સેના હટાવવાની જરૂર નથી, પરંતુ કાશ્મીરીઓની જો આટલી ચિંતા હોય તો પાકિસ્તાને તેના હસ્તકનું કાશ્મીર ખાલી કરી દેવું જોઇએ અને પાકિસ્તાને ત્રાસવાદને ખતમ કરવો જોઇએ.

પાકિસ્તાન ત્રાસવાદથી નહીં, પરંતુ પોતાની નીતિઓથી પીડિત છે.  વાસ્તવમાં પાકિસ્તાન ત્રાસવાદનો મોટો સ્પોન્સરર છે. પાકિસ્તાન સ્વયં ત્રાસવાદીઓ પેદા કરી રહ્યું છે અને તેથી ત્યાં અસ્થિરતા છે.  ભારતની આવી ઉગ્ર પ્રતિક્રિયા બાદ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ પણ આજે શરીફના નિવેદનનો જવાબ આપે તેવી શકયતા છે. 

અત્રે  ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફે યુએનના મંચ પરથી શાંતિ વાટાઘાટ માટેે નવેસરથી પહેલ કરવાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે હું આ પ્રસંગે ભારત સાથે નવેસરથી શાંતિની સ્થાપના માટે પહેલ કરું છું. જોકે નવાઝ શરીફે આ માટે ભારત સામે ચાર શરતો મૂકી છે. (૧) બંને પક્ષો દ્વારા યુદ્ધવિરામ ભંગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે અને યુએન તેના પર નજર રાખે. (ર) કાશ્મીરમાંથી લશ્કર હટાવી લેવામાં આવે (૩) દુનિયાના સૌથી ઊંચા શિખર સિયાચીનથી સેના હટાવી લેવામાં આવે. (૪) ભારત અને પાકિસ્તાન તરફથી કોઇ પણ પ્રકારના લશ્કરી બળનો ઉપયોગ કરવામાં ન આવે.

શરીફે એમ પણ જણાવ્યું હતું કાશ્મીરમાં મુસલમાનોના માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે, પરંતુ ભારત હવે શરીફને સજ્જડ જવાબ આપનાર છે અને કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો છે કે પાકિસ્તાનને દુનિયા સમક્ષ ઉઘાડું પાડવામાં આવે.

You might also like