કાશ્મીરમાં બીફ પાર્ટી આપનાર MLAની વિધાનસભામાં જ ધોલાઈ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે ગૌમાંસ પરના પ્રતિબંધને લઈને ભારે હંગામો થયો હતો અને મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો. ગઈ કાલે ખુલ્લેઆમ બીફ પાર્ટીનું આયોજન કરનાર અપક્ષ ધારાસભ્ય એન્જિનિયર રશીદ પર ભાજપના ધારાસભ્યોએ વિધાનસભાની અંદર જ હુમલો કર્યો હતો.

જોકે ગૃહમાં હાજર વિધાનસભ્યોએ આ મામલાને કોઈ પણ રીતે સંભાળી લીધો હતો. વાસ્તવમાં અપક્ષ ધારાસભ્ય એન્જિનિયર રશીદે ગઈ કાલે એમએલએ હોસ્ટેલમાં બીફ પાર્ટી આપી હતી. રશીદથી નારાજ થઈને ભાજપના ધારાસભ્યોએ આજે ગૃહમાં જ તેમની ધોલાઈ કરી હતી. આ અગાઉ પણ બીફ બાનના મુદ્દે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો કર્યો હતો.

દરમિયાન સ્પીકર સમક્ષ આ ઘટના બદલ જવાબદાર ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલાએ જણાવ્યું હતું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે.

 

You might also like