કાશ્મીરની પીટી ઉષાઃ ઇંશા રોજ ૧૦ કિલોમીટર દોડે છે

શ્રીનગરઃ તે પાછલાં સાત વર્ષમાં ૭૫,૦૦૦ કિલોમીટરની દોડ લગાવી ચૂકી છે. રોજ ઓછામાં ઓછી ૧૦ કિલોમીટરની દોડ લગાવે છે અને થોડા દિવસ પહેલાં ૧૮ વર્ષીય ઇંશા વાદૂ ૨૧ કિ.મી. દોડી. શ્રીનગરના રેનવરીમાં રહેતી ઇંશાએ થોડા દિવસ પહેલાં એક રેડિયો સ્ટેશન તરફથી આયોજિત આંતરરાષ્ટ્રીય હાફ મેરેથોનમાં ભાગ લીધો અને ત્રીજા સ્થાન પર રહી. આ દોડ માટે ૨૦થી ૩૦ હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઇંશા જ્યારે ૧૧મા ધોરણમાં ભણતી હતી ત્યારથી તેને દોડવાનો શોખ જાગ્યો અને ત્યાર બાદ તે બરફ, વરસાદ, ઠંડી કે ગરમીની પરવા કર્યા વિના રોજ દોડતી રહે છે. એક મધ્યમવર્ગીય પરિવારની ઇંશા હાલમાં બીપીએડ્ની  તૈયારી કરી રહી છે. તેના પિતા એક સામાન્ય વેપારી છે.ઇંશા કહે છે, ”દોડવાનો સિલસિલો અચાનક શરૂ થયો. મને તો મેટ્રિક સુધી ખબર નહોતી કે એથ્લીટ શું હોય છે. જ્યારે હું ૧૧મા ધોરણમાં આવી ત્યારે મને દોડવાનો શોખ જાગ્યો અને આ શોખ આગળ વધતો ગયો અને હું દોડતી ગઈ અને હજુ સુધી દોડતી જ રહી છું. મને આશા પણ નહોતી કે હું હાફ મેરેથોનમાં ત્રીજું સ્થાન હાંસલ કરી શકીશ.” ઇંશા વાદૂના કોચ તનવીર અહમદના જણાવ્યા અનુસાર ઇંશાએ ૨૧ કિ.મી.ની દોડ એક કલાક ૨૩ મિનિટમાં પૂરી કરી હતી અને બીજી પોઝિશન હાંસલ કરનારા ખેલાડીઓએ એક કલાક ૧૫ મિનિટ તેમજ એક કલાક ૧૮ મિનિટનો સમય લીધો હતો.” કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલના કોચ શેખ તુલાવ કહે છે, ”એ દોડમાં ઘણી બધી છોકરીઓ આવી હતી, પરંતુ પ્રોફેશનલ રનરના રૂપમાં ઈંશા એકમાત્ર છોકરી હતી.”
ઇંશાએ હજુ પોતાના રાજ્યની બહાર કોઈ મેરેથોનમાં ભાગ લીધો નથી. તે જણાવે છે, ”મને હજુ સુધી કોઈ તક મળી નથી કે હું જમ્મુ-કાશ્મીરની બહાર કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકું.” ઇંશાને એ વાતની કોઈ પરવા નથી કે તે કાશ્મીરમાં એકમાત્ર ગર્લ એથ્લીટ છે, જોકે તે ઇચ્છે છે કે છોકરીઓ આ ક્ષેત્રમાં આગળ આવે. તેનું કહેવું છે કે, ”છોકરી હોવા છતાં રસ્તા પર દોડું છું, પરંતુ આજ સુધી મને કોઈએ કંઈ નથી કહ્યું.” સરકાર સામે ઈંશા સખત નારાજ છે. તે કહે છે, ”સરકારે અમારા માટે કંઈ જ કર્યું નથી. મારા જેવી ખેલાડીઓ માટે અહીં પાયાની કોઈ સવલત નથી. અમે જે કંઈ કરીએ છીએ તે અમારા ખુદના પૈસે કરીએ છીએ.”ઇંશા પોતાની સફળતાનું શ્રેય કોચ તનવીર અહમદ અને પોતાના પરિવારને આપે છે. ૨૯ વર્ષીય તનવીર અહમદ પાછલાં સાત વર્ષથી ઇંશાનો કોચ છે. તે કહે છે, ”સાત વર્ષ પહેલાં મેં ઇંશાને રસ્તા પર દોડતી જોઈ હતી અને મને લાગ્યું કે આ છોકરી બહુ જ આગળ જઈ શકે તેમ છે. કાશ્મીરમાં ઇંશા જેવા ખેલાડી ઘણા આગળ આવી શકે તેમ છે, પરંતુ તેમના માટે સરકારે આગળ આવવાની જરૂર છે. મેં સરકારના ઉદાસીન વલણ વિરુદ્ધ બે વર્ષ પહેલાં શ્રીનગરથી જમ્મુ સુધીની દોડ લગાવી હતી, પરંતુ એવું લાગ્યું, જાણે સરકારે કંઈ જોઈ કે સાંભળ્યું જ નથી. આજ સુધી સરકાર તરફથી એક પૈસાની પણ મદદ મળી નથી.” કોચ તનવીર વધુમાં કહે છે, ”જે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે ઇંશાનો શ્રીનગરમાં મુકાબલો હતો, એ બધી છોકરીઓ પર તેની સરકાર કરોડોની રકમ ખર્ચ કરે છે અને ઇંશા જેવા ખેલાડીઓ પર અહીંની સરકાર એક પૈસો પણ ખર્ચતી નથી.”
 
You might also like