કાળાં નાણાં પરના કડક કાયદાથી હવાલાબાજ પરેશાનઃ નરેન્દ્ર મોદી

ભોપાલઃ ભારતમાં ૩૨ વર્ષ બાદ યોજાઈ રહેલા ૧૦માં વિશ્વ હિન્દી સંમેલનનું ઉદ્ઘાટન કરવા ભોપાલ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર ભાજપના કાર્યકરોને સંબોધતાં કોંગ્રેસ પર બરાબર ચાબખા લગાવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે અમે કાળાં નાણાં વિરુદ્ધ જે કડક કાયદો બનાવ્યો છે, તેના કારણે હવાલાબાજ લોકો પરેશાન છે. 

હવાલાબાજોને હવે પગ તળેથી ધરતી સરકતી હોય એવું લાગી રહ્યું છે. એટલા માટે હવાલાબાજોની જમાત લોકતંત્રમાં રોડાં નાંખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે ગેસ સબસીડીને જનધન સાથે જોડીને દલાલી ખતમ કરી દીધી છે.

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં વિશ્વ હિન્દી સંમેલનના ઉદ્ઘાટન પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને ઉદ્બોધન કર્યું હતું અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વડા પ્રધાને જણાવ્યું હતું કે લોકતંત્રમાં જય અને પરાજય એક એક સ્વાભાવિક અને સહજ વાત છે. 

કોંગ્રેસ પર પ્રહારો કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એક વખત હતો જ્યારે રાજીવ ગાંધી ભાજપની મજાક ઉડાવતા હતા. આજે એવી હાલત છે કે ૪૦૦ બેઠક વાળી પાર્ટી માત્ર ૪૦ બેઠકમાં સમેટાઈ ગઈ છે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અમે ૮૪ના પરાજય પરથી શીખવાનો પ્રયાસ કર્યો હતો. અમે મનોમંથન કર્યું હતું કે અમારી દિશા યોગ્ય હતી કે નહીં. અમે પ્રજા અને પત્રકારોને પણ પૂછીને મંથન કર્યું હતું કે અમારા આટલા મોટા પરાજય પાછળના કારણો ક્યા છે. દેશની જનતાએ આખરે ૩૦ વર્ષ બાદ સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર દેશને આપી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન તાકતાં જણાવ્યું છે કે માત્ર એક પક્ષને છોડીને તમામ પક્ષો સંસદ ચલાવવા દેવા તૈયાર હતા. અમારે દુઃખી મનથી સંસદનું સત્ર પૂર્ણ જાહેર કરવું પડ્યું હતું.

મોદીએ ૩૨ વર્ષ બાદ ૧૦માં હિન્દી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અગાઉ એરપોર્ટ પર મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનની ભોપાલની મુલાકાતને લઈને ચાંપતો કડક સુરક્ષા જાપ્તો ગોઠવવામાં આવ્યો હતો. આ સંમેલન ૧૦થી ૧૨ સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં ૩૯ દેશોના લોકો ભાગ લેશે. અંતિમ િદવસે કેન્દ્રીય ગૃહપ્રધાન  રાજનાથસિંહ અને બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ ભાગ લેશે.

You might also like