કાલે જન્માષ્ટમીઃ દ્વારકા સહિત રાજ્યનાં કૃષ્ણ મંદિરો પર જડબેસલાક સુરક્ષા  

અમદાવાદઃ આવતી કાલે જન્માષ્ટમીનું મહાપર્વ છે ત્યારે ત્રાસવાદી સંગઠનો દ્વારા ગુજરાતનાં યાત્રાધામો પર હુમલો કરવાની વારંવાર મળી રહેલી ધમકીને પગલે રાજ્ય પોલીસ દ્વારા  દ્વારકા સહિત રાજ્યના કૃષ્ણ મંદિરો પર સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સીસી ટીવી કેમેરા દ્વારા યાત્રાધામોની ગતિવિધિ પર વોચ રાખવામાં આવી રહી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રાસવાદી સંગઠનો દ્વારા હુમલો થવાની દહેશત અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા અવારનવાર અપાતા ઇનપુટના પગલે રાજ્ય પોલીસ સતર્ક બની ગઇ છે. આવતી કાલે જન્માષ્ટમીનું મહાપર્વ હોઇ આ પર્વ દરમિયાન રાજ્યમાં અને ખાસ કરીને યાત્રાધામોમાં કોઇ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર અગમચેતીનાં પગલાંરૂપે પોલીસ સત્તાવાળાઓ દ્વારા દ્વારકાધીશના મંદિર પર સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત ડાકોર, અમદાવાદનું જગન્નાથ મંદિર તેમજ વડોદરા, સુરત અને રાજકોટ ખાતે આવેલા કૃષ્ણ મંદિરો પર સખત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે દ્વારકા સિટીમાં દાખલ થતા માર્ગો પર ઠેર ઠેર પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને આવતા-જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ જ પ્રકારની વ્યવસ્થા ડાકોરમાં પણ ગોઠવવામાં આવી છે. દ્વારકા અને ડાકોરમાં આવેલા ગેસ્ટ હાઉસો, હોટલો અને ધર્મશાળાઓમાં પણ સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દ્વારકા ખાતે મંદિરના પરિસરમાં વોચ ટાવર, મેટલ ડિટેકટર અને સીસી ટીવી કેમરા ગોઠવી દઇ તમામ ગતિવિધિ પર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

You might also like